GUJARATKUTCHMUNDRA

ધ્વજારોહણ એ આત્મશુદ્ધિ અને શાસન ભક્તિનું પ્રતીક છે: મુનિ નયશેખર મહારાજ સાહેબ

મીરપુર પારસમણી તીર્થ ખાતે દ્વિતીય ધ્વજારોહણ ભક્તિ મહોત્સવ ભવ્યતાથી સંપન્ન

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

ધ્વજારોહણ એ આત્મશુદ્ધિ અને શાસન ભક્તિનું પ્રતીક છે: મુનિ નયશેખર મહારાજ સાહેબ

૦૦૦

મીરપુર પારસમણી તીર્થ ખાતે દ્વિતીય ધ્વજારોહણ ભક્તિ મહોત્સવ ભવ્યતાથી સંપન્ન

મીરપુર:

રાજસ્થાનના પવિત્ર મીરપુર તીર્થ ખાતે યુગપ્રધાન દાદા ગુરુદેવ શ્રી પાર્શ્વચંદ્રસૂરીશ્વરજી મહારાજાની જન્મભૂમિના ઉપલક્ષમાં નિર્મિત શ્રી મુનિસુવ્રતસ્વામી જહાજ મંદિર (નવગ્રહ યુક્ત), શ્રી બટુક ભૈરવ શક્તિપીઠ અને શ્રી ક્ષેત્રપાલ વીર મંદિરનો દ્વિતીય ધ્વજારોહણ ભક્તિ મહોત્સવ અત્યંત હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો. આ પ્રસંગે યોગવરિષ્ઠ મુનિશ્રી પાર્શ્વયશચંદ્રજી મહારાજ સાહેબ, મૌનવરિષ્ઠ મુનિશ્રી પુણ્યરત્નચંદ્રજી મહારાજ સાહેબ, મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબ તેમજ સાધ્વીજી ભગવંતો સહિત ૧૫ ઠાણાની પાવન નિશ્રા પ્રાપ્ત થઈ હતી.

ધાર્મિક કાર્યક્રમોની ઝલક

મહોત્સવના પ્રથમ દિવસે સવારે અઢાર અભિષેક, બપોરે દાદા ગુરુદેવની પૂજા અને રાત્રિના સમયે ભવ્ય ભક્તિ ભાવનાનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજા દિવસે સવારે લાભાર્થી પરિવારના આંગણેથી વાજતે-ગાજતે નીકળેલી શોભાયાત્રામાં ચતુર્વિધ સંઘ જોડાયો હતો. જિનાલય મધ્યે સત્તરભેદી પૂજાના પ્રારંભ બાદ વિજય મુહૂર્તમાં ગગનચુંબી શિખરો પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

પ્રેરક ઉદ્બોધન

આ અવસરે મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબે ધર્મસભાને સંબોધતા જણાવ્યું હતું કે, “જૈન શાસનમાં ધ્વજારોહણ એ માત્ર વિધિ નથી, પરંતુ શ્રદ્ધા અને આત્મજાગૃતિનું પ્રતીક છે. દેરાસર પર લહેરાતી ધ્વજા વિજય, પવિત્રતા અને સમ્યક દર્શનનો સંદેશ આપે છે, જે ભક્તોના હૃદયમાં નવી ઊર્જા અને પ્રેરણા ભરે છે.”

ભક્તિ અને સેવાના કાર્યો

આ મહોત્સવનો સંપૂર્ણ લાભ શ્રીમતિ નિર્મલાબેન બીજયરાજજી ચૌધરી (હસ્તે: શિલ્પાબેન મનોજભાઈ ચૌધરી – નાગૌર/કલકત્તા) પરિવારે લીધો હતો. પ્રસંગ નિમિત્તે જીવદયા, સાધર્મિક ભક્તિ, પ્રભુજીની આંગી અને આકર્ષક રંગોલી જેવા સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા. શ્રી જૈન શ્વેતાંબર પાર્શ્વચંદ્રસૂરીશ્વર ધામ ટ્રસ્ટ દ્વારા મુંબઈ, કલકત્તા, બેંગ્લોર, અમદાવાદ અને કચ્છ-રાજસ્થાનથી પધારેલા વિશાળ ભાવિક સમુદાયનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

 

Back to top button
error: Content is protected !!