GUJARATKUTCHMUNDRA

કચ્છના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ત્રિકમભાઇની ‘ત્રિભેટ’ : ગઢશીશા, અંજાર અને સિનુગ્રામાં નવી સરકારી કોલેજોને મળી મંજૂરી

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

કચ્છના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ત્રિકમભાઇની ‘ત્રિભેટ’ : ગઢશીશા, અંજાર અને સિનુગ્રામાં નવી સરકારી કોલેજોને મળી મંજૂરી

 

માંડવી (કચ્છ) :

વિકસિત ગુજરાતની પરિકલ્પનામાં કચ્છની ભૂમિકાને અત્યંત મહત્વની ગણી વર્ષ 2026-27ના અંદાજપત્રમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા કચ્છના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ‘ઐતિહાસિક ભેટ’ સમાન મહત્વની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી શ્રી ત્રિકમભાઇ બી. છાંગાએ કચ્છના સર્વાંગી વિકાસ માટે ગઢશીશામાં આર્ટસ, કોમર્સ અને સાયન્સ ફેકલ્ટી સાથેની સરકારી કોલેજ, અંજારમાં પોલિટેકનિક અને સિનુગ્રા (તા. અંજાર)માં કૃષિ કોલેજ સ્થાપવાની ઐતિહાસિક જાહેરાત કરી છે. બજેટમાં મળેલી આ સત્તાવાર મંજૂરી બાદ સમગ્ર કચ્છમાં આનંદની લાગણી જોવા મળી રહી છે કારણ કે આ ત્રણ નવી સંસ્થાઓના કારણે હવે કચ્છના છાત્રો વિશેષ કરીને ગ્રામ્ય વિસ્તારના યુવાનો અને કન્યાઓ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પોતાના સ્થાનિક સ્તરે જ મેળવી શકશે.

આ ભગીરથ કાર્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કચ્છ પ્રત્યેની કૂણી લાગણી અને શિક્ષણમંત્રી શ્રી ત્રિકમભાઇ છાંગાના સતત પ્રયત્નો મુખ્ય રહ્યા છે. પોતે શિક્ષક રહી ચૂકેલા હોવાથી મંત્રીશ્રીએ કચ્છના બાળકોના ભવિષ્યની ચિંતા કરી આ ‘ત્રિભેટ’ અપાવી છે. આ સફળતામાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય શ્રી અનિરૂદ્ધભાઇ દવે, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઇ પટેલ તથા ઉપકુલપતિ ડો. અનિલભાઇ ગોર, શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઇ વરચંદ અને કલેકટર આનંદ પટેલ જેવા મહાનુભાવોનો સહિયારો પ્રયાસ રહ્યો છે. માંડવીની એસ. વી. કોલેજના પ્રિન્સિપાલ ડો. મહેશભાઈ બારડ અને મીડિયા સેલના કન્વીનર – આસિસ્ટન્ટ પ્રોફેસર તિતિક્ષાબેન ઠક્કરે પણ સરકારના આ નિર્ણયને આવકારી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

આ શૈક્ષણિક સુધારાઓથી કચ્છનું માળખું વધુ મજબૂત બનશે. ગઢશીશામાં લાંબા સમયથી ચાલી આવતી કોલેજની માંગ સંતોષાતા ત્યાંની દીકરીઓનું ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત થશે. તેવી જ રીતે અંજાર જેવા ઔદ્યોગિક ઝોનમાં પોલિટેકનિક કોલેજ આવવાથી સ્થાનિક યુવાનો ટેકનિકલ સ્કીલ્સ મેળવી રોજગારી મેળવી શકશે અને ઉદ્યોગોને પણ કુશળ કર્મચારીઓ પ્રાપ્ત થશે. સિનુગ્રા ખાતેની કૃષિ કોલેજ કચ્છના ખેતી વિષયક વિકાસમાં નવો પ્રાણ ફૂંકશે. આમ આ સરકારી કોલેજોની મંજૂરીથી સીમાવર્તી કચ્છ જિલ્લો હવે શિક્ષણ ક્ષેત્રે રાજ્યના અન્ય વિકસિત વિસ્તારો સાથે મજબૂત સ્પર્ધા કરવા સજ્જ બન્યો છે અને કચ્છી યુવાનોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!