સિવિલ હોસ્પિટલ અને વિવિધ તાલુકાઓમાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો: ‘વ્હાલી દીકરી યોજના’નું અપાયું માર્ગદર્શન
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : સમાજમાં દીકરીના જન્મ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ કેળવવા અને સ્ત્રી-પુરુષ જન્મદરની સમાનતા જાળવવાના ઉમદા હેતુથી જૂનાગઢ જિલ્લામાં “દીકરી વધામણા કીટ” વિતરણનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સી.જી. સોજીત્રા તથા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી બી.ડી. ભાડના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ સહિત જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ નવજાત બાળકીઓના પરિવારોને કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
દીકરી : સામાજિક પરિવર્તનનું પ્રતીક કેન્દ્ર સરકારના ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનને વેગ આપતા આ કાર્યક્રમમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, દીકરીનો જન્મ એ ભારરૂપ નહીં પણ ઉત્સવ છે. દીકરીને સાક્ષાત દેવીનું સ્વરૂપ માની તેના જન્મને સન્માન સાથે વધાવવાની આ પહેલ સમાજમાં પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડે છે. આ પ્રકારના આયોજનોથી દીકરા-દીકરી વચ્ચેના ભેદભાવને દૂર કરી એક સશક્ત અને સમાનતાવાદી સમાજનું નિર્માણ થઈ શકશે.
સરકારી યોજનાઓનું માર્ગદર્શન સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત નવજાત બાળકીઓના વાલીઓને રાજ્ય સરકારની મહત્વકાંક્ષી “વ્હાલી દીકરી યોજના” વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. દીકરીના ઉજ્જવળ ભવિષ્ય અને શિક્ષણ માટે સહાયરૂપ થતી આ યોજનાના અરજી ફોર્મનું પણ સ્થળ પર વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી છેવાડાના પરિવારો સુધી આ લાભ પહોંચી શકે.
આ પ્રસંગે હોસ્પિટલનો સ્ટાફ અને લાભાર્થી પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન દ્વારા જિલ્લા વહીવટી તંત્રએ દીકરીઓના જન્મને ઉત્સાહભેર વધાવી સામાજિક જાગૃતિનો મજબૂત સંદેશ પાઠવ્યો હતો, તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની યાદીમાં જણાવાયું છે.
«
Prev
1
/
116
Next
»
મોરબીના સામાકાઠા વિસ્તારના માળીયા વિનાળીયા ખાતે લુખ્ખાઓ અને દારૂડીયાનો ત્રાસ