લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત 25 સાંસદોને હત્યાની ધમકી

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત 25 સાંસદોને હત્યાની ધમકી આપવાની વીડિયો સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. મામલે સામે આવ્યા બાદ પોલીસે તુરંત રાજસ્થાનમાં કાર્યવાહી કરીને ધમકી આપનાર રાજ સિંહ આમેર નામના શખ્સ ધરપકડ કરી છે. આરોપીનો આક્ષેપ છે કે, આ સાંસદોએ લોકસભા અધ્યક્ષનું અપમાન કર્યું છે, જેના કારણે તેણે આ ધમકી આપી છે.
મીડિયા રિપોર્ટ મુજબ, આરોપી તમરે સોશિયલ મીડિયા પર રાહુલ સહિતના સાંસદોને ધમકી આપતો વીડિયો વાયરલ કર્યો હતો. આરોપીએ રાહુલ ગાંધી અને અન્ય સાંસદો પર લોકસભામાં અધ્યક્ષ ઓમ બિરલાનું અપમાન કરવાનો આરોપ લગાવી ધમકી આપી હતી. વીડિયોમાં આરોપી પોતાને કરણી સેના અને ભાજપનો કાર્યકર ગણાવી કહી રહ્યો છે કે, રાહુલ ગાંધીને તેમના ઘરમાં ઘૂસીને ગોળી મારી દઈશું. બીજીતરફ ભાજપે કહ્યું કે, આરોપીનો તેમની પાર્ટી સાથે કોઈ સંબંધ નથી.
શહેર પોલીસ અધિક્ષક તેજસ્વી ગૌતમે કહ્યું કે, ધમકી આપતો વીડિયો પોલીસના ધ્યાને આવ્યો છે. આ વીડિયોમાં રાજસ્થાનનો રહેવાસી રાજ આમેર નામનો વ્યક્તિ કોંગ્રેસ સાંસદો અને રાહુલ ગાંધી(Rahul Gandhi)ને ગોળી મારી દેવાની ધમકી આપી રહ્યો હતો. ત્યારબાદ વીડિયોના આધારે પોલીસે તુરંત કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં આરોપીનો ગુનાહિત રૅકોર્ડ સામે આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપી પોતાને ફેમસ કરવા માટે આવા વીડિયો બનાવીને વાયરલ કરતો હતો.
વીડિયોમાં રાજ સિંહ આમેર વાંધાજનક ભાષા બોલતો પણ જોવા મળી રહ્યો છે. તે પોતાને ભાજપનો કાર્યકર ગણાવે છે અને રાહુલ ગાંધીને ઘરમાં ઘૂસીને ગોળી મારવાની વાત બોલે છે. વીડિયોમાં તે બોલે છે કે, ‘જે રીતે ભારતની સંસદમાં કોંગ્રેસના 25 સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને અપશબ્દો બોલ્યા છે, તેની અમે ભાજપના કાર્યકરો નિંદા કરીએ છીએ. સંસદમાં આવી ઘટનાથી ભાજપ અને કરણી સેનાના કાર્યકર્તાઓ ઘણા રોષે ભરાયા છે. ફરી આવી ઘટના બનશે તો અમે તે સાંસદોના ઘરમાં ઘૂસીને તોડફોડ કરીશું. રાહુલ ગાંધીએ આદેશ આપ્યા બાદ આ ઘટના બની છે, તેથી રાહુલ કાન ખોલીને સાંભળી લે કે, જો ફરી આવી ઘટના બનશે તો તારા ઘરમાં ઘૂસીને ગોળી મારી દઈશું અને તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.. જો 24 કલાકની અંદર તે 25 સાંસદોની ધરપકડ નહીં થાય તો અમે તમામને ગોળી મારી દઈશું. ભલે આ માટે અમારે જેલમાં જવું પડે.’
મામલો સામે આવ્યા બાદ ભાજપે પ્રતિક્રિયા આપી છે. કોટા ભાજપના જિલ્લા અધ્યક્ષ રાકેશ જૈને કહ્યું કે, વાયરલ વીડિયોમાં દેખાતા વ્યક્તિનો ભાજપ સાથે કોઈ સંબંધ નથી. આ વ્યક્તિ જે ભાષા બોલી રહ્યો છે તે અમારા નૈતિક મૂલ્યો વિરુદ્ધની છે. ભાજપ લોકશાહી મૂલ્યોના વિરુદ્ધના કૃત્યનો ક્યારે સ્વીકાર કરતો નથી. પોલીસે કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે. રાકેશ જૈને તંત્રને વિનંતી કરી છે કે, આવા તત્ત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.




