અંબાજી મંદિર ખાતે હોળી અને ચંદ્રગ્રહણને પગલે દર્શન તથા આરતીના સમયમાં ફેરફાર,જાણો વિગતવાર શિડ્યુલ

20 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ફાગણ સુદ પૂનમ અને ચંદ્રગ્રહણ નિમિત્તે નવા સમયપત્રકની જાહેરાત શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આગામી હોળી અને ફાગણ પૂનમના તહેવારો નિમિત્તે દર્શનના સમયમાં કરવામાં આવેલા ફેરફાર અંગેની મહત્વની યાદી જાહેર કરવામાં આવી છે. આગામી તા. ૦૨/૦૩/૨૦૨૬, સોમવાર (ફાગણ સુદ ૧૪) ના રોજ હોળી પર્વ નિમિત્તે મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે સવારે ૭:૩૦ થી ૮:૦૦ કલાકે આરતી થશે અને ત્યારબાદ ૮:૦૦ થી ૧૧:૩૦ સુધી ભક્તો દર્શન કરી શકશે. બપોરે ૧૨:૦૦ કલાકે રાજભોગ ધરાવવામાં આવશે, જ્યારે સાંજે ૧૮:૩૦ કલાકે હોળી પ્રગટાવવામાં આવશે. હોળી બાદ સાંજની આરતી ૧૯:૩૦ થી ૨૦:૦૦ કલાકે થશે અને રાત્રે ૨૧:૦૦ વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે.તા. ૦૩/૦૩/૨૦૨૬, મંગળવાર (ફાગણ સુદ પૂનમ) ના રોજ ચંદ્રગ્રહણ હોવાથી માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ દિવસે સવારે વહેલા ૬:૦૦ થી ૬:૩૦ કલાકે આરતી અને ૬:૩૦ થી ૭:૩૦ સુધી દર્શનનો લાભ મળશે. સવારે ૭:૩૦ થી ૦૮:૦૦ કલાકે રાજભોગ ધરાવ્યા બાદ સવારના ૮:૦૦ વાગ્યાથી રાત્રિના ૨૧:૩૦ વાગ્યા સુધી મુખ્ય દર્શન બંધ રહેશે. જોકે, ભક્તોની સુવિધા માટે નૃત્ય મંડપમાંથી દર્શનનો સમય સવારે ૦૯:૪૫ થી બપોરે ૧૪:૦૦ કલાક સુધીનો રાખવામાં આવ્યો છે. ગ્રહણ બાદ રાત્રે આશરે ૨૧:૩૦ કલાકે શયનકાળની આરતી કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે, ચંદ્રગ્રહણ અને હોળીના વિશેષ સમયપત્રક બાદ તા. ૦૪/૦૩/૨૦૨૬, બુધવાર (ફાગણ વદ એકમ) થી માતાજીના દર્શન અને આરતી તમામ ભક્તો માટે રાબેતા મુજબના સમયે શરૂ કરવામાં આવશે તેમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જાહેર જનતા અને માઈ ભક્તોને આ સમયની નોંધ લઈને દર્શન માટે આવવા વિનંતી કરવામાં આવી છે.



