GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી કેનાલ રોડ પર વન-વેના નિર્ણયથી જનતા પરેશાન; ધૂળની ડમરીઓ અને ગટરની ગંદકીએ વધારી હાલાકી

 

MORBI:મોરબી કેનાલ રોડ પર વન-વેના નિર્ણયથી જનતા પરેશાન; ધૂળની ડમરીઓ અને ગટરની ગંદકીએ વધારી હાલાકી
​મોરબી શહેરના દલવાડી સર્કલથી ઉમિયા સર્કલ વચ્ચેના કેનાલ રોડને વહીવટી તંત્ર દ્વારા વન-વે જાહેર કરવામાં આવતા સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ આયોજન વગરના નિર્ણયને કારણે લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સામાજિક અગ્રણી અને ઓમ શાંતિ વિદ્યાલયના પ્રમુખ ટી.ડી. પટેલે આ મુદ્દે તંત્રની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા છે.

 

​ધૂળનું સામ્રાજ્ય અને સ્વાસ્થ્યનું જોખમ ​ટ્રાફિકને કેનાલની બીજી બાજુના કાચા અને માટીવાળા રસ્તા પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેના પરિણામે ત્યાં ધૂળની ભારે ડમરીઓ ઊડે છે. આ ધૂળ આસપાસની સોસાયટીઓના ઘરોમાં ભરાઈ રહી છે. સૌથી વધુ માઠી અસર ટુ-વ્હીલર ચાલકો અને શાળાએ જતા નાના બાળકો પર પડી રહી છે, જેમને આંખ અને શ્વાસ સંબંધિત તકલીફો થવાની ભીતિ સેવાઈ રહી છે.
​બાયપાસ પાસે બનાવવામાં આવેલી ગટરો પેક હોવાથી ગંદા પાણીનો નિકાલ થતો નથી. ગટરો ઉભરાવવાને કારણે લાખોના ખર્ચે બનેલા ડામર રોડ તૂટી રહ્યા છે અને ચારેબાજુ ગંદકી ફેલાઈ રહી છે. શહેરમાં નવા બનેલા સીમેન્ટ રોડનું લેવલ રહેણાંક મકાનો કરતા ઊંચું રાખવામાં આવ્યું છે. આ ખામીયુક્ત ઇજનેરી કામને કારણે આગામી ચોમાસામાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી જવાની દહેશત વર્તાઈ રહી છે.ટી.ડી. પટેલે જણાવ્યું કે, “ધૂળને કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા એ CRPC ની કલમ 133 મુજબ ‘જાહેર ન્યુસન્સ’નો ગુનો બને છે. જ્યાં સુધી રસ્તો પાકો ન થાય ત્યાં સુધી આ વન-વેનું જાહેરનામું રદ કરવું જોઈએ.”​કલેક્ટરને રજૂઆતની તૈયારી ​આ ગંભીર પરિસ્થિતિ અંગે ટી.ડી. પટેલે મોરબી કલેક્ટર અને કમિશનરને લેખિત રજૂઆત કરવાની જાહેરાત કરી છે. તેમણે માંગ કરી છે કે તંત્ર દ્વારા લેવામાં આવતા નિર્ણયો માત્ર કાગળ પર નહીં પણ ‘વ્યવહારુ’ હોવા જોઈએ, જેથી વિકાસના નામે પ્રજાને હાલાકી ન ભોગવવી પડે.

Back to top button
error: Content is protected !!