MORBI:મોરબી: ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, બે સગીરની અટકાયત

MORBI:મોરબી: ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, બે સગીરની અટકાયત
મોરબી: શહેરના વ્યસ્ત એવા શનાળા રોડ પર બનેલી લોહિયાળ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. માત્ર ગાડી ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતમાં થયેલી માથાકૂટે હત્યાનું સ્વરૂપ ધારણ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
શનાળા રોડ પર વાહન ઓવરટેક કરવાના મુદ્દે રકઝક થઈ હતી. આ બોલાચાલી એટલી હદે વણસી હતી કે ઉશ્કેરાયેલા શખ્સોએ જીવલેણ હુમલો કરી એક વ્યક્તિની હત્યા કરી નાખી હતી. જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાને પગલે કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા હતા.ઘટનાની ગંભીરતાને જોતા મોરબી એ-ડિવિઝન પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. Dysp જે.એમ. આલ દ્વારા યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં વિગતો જાહેર કરવામાં આવી હતી આ હત્યાના ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓ કાયદાના સંઘર્ષમાં આવતા સગીર છે. પોલીસે બંનેની અટકાયત કરી આગળની તજવીજ હાથ ધરી છે. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી છે કે, પકડાયેલા એક સગીર આરોપીના ઘરેથી બિયરનો જથ્થો મળી આવ્યો છે. આ બાબતે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ અલગથી ગુનો નોંધવાની તજવીજ કરી છે.
સોની યુવાનની છરીના ઘા ઝીકીને નિર્મમ હત્યા કરનાર બન્ને આરોપીઓ સગીર છે. જેમાં એકની ઉપર 17 વર્ષ 5 મહિના છે. તો બીજાની ઉંમર 18 વર્ષમાં એક અઠવાડિયુ જ ઓછી છે. (આરોપીઓ 18 વર્ષથી નાના હોવાથી કાયદા મુજબ તેમની ઓળખ કે ફોટા જાહેર કરી શકતા નથી) બનાવની ગંભીરતાને ધ્યાને લઈને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને સગીર આરોપીઓને શોધી કાઢ્યા હતા. પોલીસે ગુનામાં વપરાયેલ એક્સેસ મોટરસાઈકલ અને હત્યામાં વપરાયેલ છરી પણ કબજે કરી લીધી છે. હાલ આ કેસની વધુ અને ઝીણવટભરી તપાસ તપાસનીશ અધિકારી આર.એસ.પટેલ ચલાવી રહ્યા છે.
શહેરમાં જ્યાં જુઓ ત્યાં કાળા કાચવાળી ગાડીઓ અને નંબર પ્લેટ વગરના બાઇકો પર ફરતા લુખ્ખાઓનો આતંક જોવા મળે છે. આ તત્વો રસ્તા વચ્ચે વાહનો ઉભા રાખી રોફ જમાવે છે, છતાં પોલીસ તંત્ર મૌન સેવી રહ્યું છે. જ્યારે આ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની વાત આવે ત્યારે પોલીસની નીતિ કેમ ઢીલી પડી જાય છે? સામાન્ય જનતા પાસેથી ટ્રાફિકના દંડ વસૂલવામાં શૂરવીર બનતી પોલીસ આ રીઢા ગુનેગારો સામે કેમ લાચાર દેખાય છે?
સોની વેપારીની હત્યા એ માત્ર એક ગુનો નથી, પણ પોલીસની નિષ્ફળતાનું વરવું પ્રદર્શન છે. લોકોના સીધા આક્ષેપ છે કે: દારૂનું વેચાણ અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસ આંખ આડા કાન કરી રહી હોવાનો અને ભ્રષ્ટાચારને કારણે ગુનેગારો સાથે મિલીભગત હોવાનો જનતાનો આક્ષેપ છે. નાના ઝઘડા કે મારામારીના કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધવામાં આળસ કરે છે, જેના કારણે ગુનેગારોને પ્રોત્સાહન મળે છે અને તેઓ ગંભીર ગુના આચરતા અચકાતા નથી.ન્યાયથી વંચિત ફરિયાદી: ફરિયાદ કર્યા બાદ પણ પોલીસની કામગીરી નબળી રહેતી હોવાથી સામાન્ય લોકો હવે પોલીસ સ્ટેશન જવાનું ટાળી રહ્યા છે.રોડ રેજ અને નજીવી વાતોમાં હિંસા પર ઉતરી આવવાની વૃત્તિ, ખાસ કરીને સગીર વયના બાળકોમાં વધતી ગુનાખોરીએ પોલીસ અને સમાજ માટે ચિંતાનો વિષય બન્યો છે.










