
કિરીટ પટેલ બાયડ
બાયડમાં તક્ષશીલા હાઈસ્કૂલ, સ્વામિનારાયણ સોસાયટી-૧ માં રોડ સલામતી જાગૃતિ અંતર્ગત એક વિશેષ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ તેમજ સમાજમાં રોડ અકસ્માતો અટકાવવા અને અકસ્માતની સ્થિતિમાં તાત્કાલિક બચાવ કાર્ય કેવી રીતે કરવું તે અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.આ મોક ડ્રિલ દરમિયાન રોડ અકસ્માતના સમયે કેવી રીતે તાત્કાલિક સહાય પૂરી પાડવી, ઘાયલ વ્યક્તિને સુરક્ષિત રીતે કેવી રીતે ખસેડવી, પ્રાથમિક સારવારના પ્રાથમિક સિદ્ધાંતો તથા ઇમર્જન્સી સેવાઓને કેવી રીતે જાણ કરવી જેવા મહત્વના વિષયો પર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ અંગે વિગતવાર પેમ્ફલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેથી વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા ઉપસ્થિત તમામ લોકો આ માહિતીને યાદ રાખી શકે અને વ્યવહારમાં ઉતારી શકે.આ કાર્યક્રમમાં શાળાના સંપૂર્ણ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેને અત્યંત ઉત્સાહથી ગ્રહણ કર્યો હતો. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા યુવા પેઢીમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવાની ભાવના અને જીવન બચાવવાની જવાબદારીની ભાવના વિકસાવવામાં મદદ મળે છે.આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી શ્રી અમિતભાઈ પટેલ, આચાર્ય શ્રીમતી સીમાબેન પટેલ તથા શિક્ષિકા શ્રીમતી પ્રિયાબેનની ઉપસ્થિતિમાં મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર કચેરી તરફથી જિલ્લા ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરના ડી.પી.ઓ. શ્રી, પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી ઇન્સ્પેક્ટર શ્રી જે. કે. પટેલ, બાયડ પોલીસ સ્ટેશન તરફથી પ્રતિનિધિ તથા 108 ઇમર્જન્સી સેવાના કર્મચારીશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.




