
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ ખાતે ગુંજ્યો હિન્દુત્વનો નાદ: RSS ના શતાબ્દી વર્ષ નિમિત્તે યોજાયું વિરાટ હિન્દુ સંમેલન..
ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર ગણાતા વઘઈ નગર ખાતે માં અંબાના સાનિધ્યમાં હિન્દુ આગેવાનો અને ગ્રામજનો દ્વારા એક ભવ્યાતિભવ્ય ‘વિરાટ હિન્દુ સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતુ.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ડાંગના તમામ મંડળોમાં આવા સંમેલનો યોજાઈ રહ્યા છે, જેમાં વઘઈ ખાતેના આ કાર્યક્રમને જનમેદનીનો ભારે પ્રતિસાદ સાંપડ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રયોશા પ્રતિષ્ઠાનના પી.પી. સ્વામીજી, પ્રાંત સંયોજક અશોકભાઈ પટેલ, વઘઈ વેપારી એસોસિએશનના પ્રમુખ સુભાષભાઈ બારસે વેપારી અગ્રણી મયુરભાઈ પટેલ, વઘઈ ગામના સરપંચ મોહનભાઇ ભોંયે, દિલીપભાઈ ચૌહાણ, રવિભાઈ સુર્યવંશી, સુરેશભાઈ કાંજિયા, અજયભાઈ સુરતી, દૌલતભાઈ વૈષ્ણવ, પ્રકાશભાઈ ચૌધરી, ગણેશભાઈ આંબાપાડા અને અન્ય મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે નગરજનો દ્વારા મહેમાનોનું ખેસ પહેરાવી સ્વાગત કરાયું હતું, જ્યારે વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત અને કોટવાળીયા વસાહતની દીકરીઓએ પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે મનમોહક નૃત્ય રજૂ કર્યું હતું. વિશેષ આકર્ષણ તરીકે, હોમગાર્ડના જવાનોએ એક હાથમાં તલવાર અને બીજા હાથમાં શિવાજી મહારાજની પ્રતિમાવાળો કેસરી ધ્વજ લહેરાવી શૌર્યપૂર્ણ કલાકૃતિ રજૂ કરી હતી, જેના પર ઉપસ્થિત લોકોએ પ્રોત્સાહન રૂપે નોટોનો વરસાદ વરસાવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત અશોકભાઈ પટેલે ‘ભારત માતા કી જય’ના નાદ સાથે પરિવારની એકતા, વડીલોનું સન્માન અને વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાના વળગણથી દૂર રહી સંસ્કારયુક્ત જીવન જીવવા પર ભાર મૂક્યો હતો. પરિવાર સાથે બેસીને વિચાર મંથન કરવાની તાતી જરૂરિયાત હોવાનું જણાવી હિન્દુ સંસ્કૃતિના જતન માટે પ્રેરણા આપી હતી. પૂજ્ય પી.પી. સ્વામીજીએ પણ આશીર્વચન પાઠવતા કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા અને નાગરિક કર્તવ્ય જેવા વિષયો પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના અંતે ગ્રામજનોએ દર શનિવારે અંબા માતાના મંદિરે હનુમાન ચાલીસાના પાઠ કરવાનો સંકલ્પ લીધો હતો અને આવા સંસ્કારી કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.કાર્યક્રમના અંતે સૌ સાથે મળી મહાપ્રસાદીનું લાભ લીધો હતો.





