
નર્મદા જિલ્લા ઈન્ચાર્જ ક્લેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના વિકાસ કાર્યોને વધુ ગતિશીલ બનાવવા અને પ્રજાના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી આર.વી.વાળાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહ તડવી અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહ તડવીએ તિલકવાડા તાલુકામાં આંગણવાડીના મકાનોના બાંધકામ, પીવાના પાણી, સરકારી આવાસ જર્જરિત થતાં તેને ઉતારી લેવા માટેની કાર્યવાહી, મકાનોના બાંધકામમાં મટિરિયલની ગુણવત્તા અંગે રજૂઆત કરતા સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી.
દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ તેમના મત વિસ્તારના નાગરિકોના વિકાસ કામો જેવા કે, આંગણવાડીના બાળકોને અપાતા નાસ્તાની યોગ્ય ગુણવત્તા અને ચકાસણી, આદિમજૂથ આવાસ યોજનામાં લાભાર્થીઓને છેલ્લા હપ્તાના નાણાંની ચૂકવણી, ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ, કુંવરબાઈનું મામેરૂંના લાભાર્થીઓ, ખેતીવાડી વિસ્તારના વીજ જોડાણો, દેડિયાપાડા વન વિસ્તારમાં વનતલાવડીની બાબતો, માર્ગ મકના વિભાગ દ્વારા વન્ય વિસ્તારોમાં સ્ટ્રક્ચર નિર્માણ માટે વનવિભાગ પાસે મેળવવાની પરવાનગી જેવી બાબતો અંગેના પ્રજાજનોના પ્રશ્નો અધિકારીઓ સમક્ષ રજૂ કર્યા હતા.




