Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને આરોગ્ય સમિતિઓની બેઠક યોજાઈ

તા.૨૧/૨/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
ઓ.પી.ડી., દવાના સ્ટોકની ઉપલબ્ધતા, ચેપી, બિનચેપી અને ગંભીર રોગોના કેસ, સ્ટાફ, ગ્રાન્ટ, દરખાસ્ત, જનજાગૃતિની પ્રવૃત્તિઓ જેવા મુદ્દાઓની સમીક્ષા કરાઈ
Rajkot: રાજકોટમાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને સંચારી રોગ અટકાયત અને અન્ય આરોગ્ય સમિતિઓની બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરશ્રીએ જિલ્લામાં આવેલા આરોગ્ય કેન્દ્રોમાં ઓ.પી.ડી., દવાના સ્ટોકની ઉપલબ્ધતા, ચેપી, બિનચેપી અને ગંભીર રોગોના કેસ, સ્ટાફ, ગ્રાન્ટ, દરખાસ્ત, જનજાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓ જેવા મુદ્દાઓની સમીક્ષા કરી હતી.
સંચારી રોગ અટકાયત માટે જિલ્લાકક્ષાની સ્ટીયરિંગ કમિટીની બેઠકમાં રોગચાળા સર્વેલન્સ અને અટકાયતી પગલાં લેવા સૂચના આપી હતી. પીવાના પાણીનું ક્લોરીનેશન, ક્લોરીન ટેસ્ટ, બેક્ટેરીયા લોજિકલ તપાસ, પાઈપલાઈન લિકેજ નોંધણી અને રીપેરીંગ, પાણી પૃથ્થકરણ, ક્લોરીનેશન, બરફ અને બરફની બનાવટોના કારખાનાઓની તપાસ તથા જનરલ સેનિટેશન અંગે ચર્ચા-વિચારણા કરાઈ હતી.
આ ઉપરાંત, જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ અને જિલ્લા આરોગ્ય સોસાયટીની બેઠકમાં કલેક્ટરશ્રીએ “ક્ષય નિર્મૂલન અભિયાન”ને વેગવંતુ બનાવવા અને એઇડ્સ માટે ભૌગૌલિક એનાલિસિસ કરીને પેટર્ન જાણવા સૂચના આપી હતી. દરેક તાલુકા મુજબ હાઈ રિસ્ક સગર્ભાની પ્રસૂતિ, સગર્ભા અને બાળ મૃત્યુ દર, ચાઈલ્ડ સ્ક્રીનીંગ, જેન્ડર રેશિયો, કેન્સરના કેસ, સ્વચ્છતા બાબતે સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ વધુમાં વધુ લોકો લે, તે બાબતે ભાર મૂક્યો હતો. તેમજ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અને ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી અસ્યોરન્સ કમિટી, ડિસ્ટ્રિક્ટ આયુષ સોસાયટીની કામગીરીનો ચિતાર મેળવ્યો હતો.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી આર. આર. ફૂલમાળી, આરોગ્ય અધિકારી શ્રી પી. કે. સિંઘ, જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડો. ઘનશ્યામ મહેતા, આર.સી.એચ.ઓ. શ્રી પી.જે.જોશી, ઈ.એમ.ઓ. શ્રી વી. વી. ગોરીયા, મહિલા અને બાળ કલ્યાણ અધિકારી શ્રી જનકસિંહ ગોહિલ સહિત સિવિલ હોસ્પિટલ, એઈમ્સના આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.





