
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – ચાલુ વાહનમાંથી તાડપત્રી કાપી પાર્સલ ચોરી કરતી ગેંગનો ભાંડો ફૂટ્યો, બે રીઢા આરોપી ઝડપાયા – SOG ની સખ્ત કાર્યવાહી
અરવલ્લી એસ.ઓ.જી.ની સફળ કામગીરી — ₹2.69 લાખની પાંચ માસ જૂની અનડીટેક્ટ ચોરીનો ભેદ ઉકેલાયો
અરવલ્લી જિલ્લામાં ચાલુ વાહનમાં તાડપત્રી કાપી કિંમતી માલસામાનની ચોરી કરતી ગેંગના બે રીઢા આરોપીઓને અરવલ્લી જિલ્લા એસ.ઓ.જી. પોલીસે ગુનામાં વપરાયેલ સી.એન.જી. રીક્ષા સાથે ઝડપી પાડીને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂપિયા 2,69,000 ની ચોરીના પાંચ માસથી વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા દ્વારા મિલકત સંબંધિત અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. ગરાસીયાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એ.એચ. રાઠોડ અને એસ.ઓ.જી. ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મોડાસા બાયપાસ રોડ રેલ્વે ફાટક નજીક વાહન ચેકિંગ દરમિયાન ધનસુરા તરફથી મોડાસા તરફ આવતી એક સી.એન.જી. રીક્ષા શંકાસ્પદ જણાતા પોલીસે તેને રોકી પૂછપરછ કરી હતી. બંને ઇસમોની હરકત શંકાસ્પદ લાગતા તેમને એસ.ઓ.જી. કચેરીએ લઈ જઈ યુક્તિપૂર્વક પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી.પકડાયેલા આરોપીઓએ સ્વીકાર્યું કે તેઓ સહિત કુલ ચાર જણાએ અંદાજે પાંચ માસ અગાઉ અમદાવાદ–ધનસુરા–મોડાસા હાઇવે પરથી પસાર થતી પાર્સલ ભરેલી ટ્રાન્સપોર્ટ ગાડીમાં ચાલુ વાહનમાં ચઢી તાડપત્રી કાપી પાંચ પાર્સલોની ચોરી કરી હતી. આ મામલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 303(2), 334(1) હેઠળ ગુનો નોંધાયેલ હતો, જે અત્યાર સુધી અનડીટેક્ટ રહ્યો હતો.પોલીસ તપાસમાં સામે આવ્યું કે ચોરાયેલ પાર્સલ મુદ્દામાલ અન્ય સાગરીતો દ્વારા વેચી દેવાયો હતો.
પકડાયેલા આરોપી કાલુભાઇ લક્ષ્મણભાઇ મારવાડી સામે અમદાવાદ શહેર તથા ગાંધીનગર જિલ્લામાં બળાત્કાર, લૂંટ, ચોરી અને મારામારી સહિત કુલ 6 ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે સાહીલ ઉર્ફ કાલુ ભરતભાઇ સોલંકી સામે અમદાવાદ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરીના 2 ગુનાઓ નોંધાયેલા છે.આ ગેંગ પહેલા કિંમતી માલસામાન ભરેલી ટ્રાન્સપોર્ટ ગાડીઓની રેકી કરતી હતી. ત્યારબાદ રીક્ષા દ્વારા ગાડીનો પીછો કરી બમ્પ કે અવરોધ આવતાં વાહન ધીમું પડે ત્યારે પાછળથી ચાલતી ગાડીમાં ચઢી તાડપત્રી કાપી અંદરના કિંમતી પાર્સલોની ચોરી કરતી હતી.
પકડાયેલા આરોપીઓ
કાલુભાઇ લક્ષ્મણભાઇ મારવાડી — રહે. વટવા, અમદાવાદ
સાહીલ ઉર્ફ કાલુ ભરતભાઇ સોલંકી — રહે. ગણેશનગર, પીપળજ-નારોલ, અમદાવાદ
ફરાર આરોપીઓ
ઇરફાન અહદ શેખ — હાલ જુહાપુરા, અમદાવાદ
પ્રેમાજી ઉર્ફ બોબડો ગોવિંદભાઇ સરગરા — વટવા, અમદાવાદ
અરવલ્લી જિલ્લા એસ.ઓ.જી. દ્વારા લાંબા સમયથી વણશોધાયેલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડતા પોલીસની કામગીરીને સફળતા મળી છે.





