AHAVADANGGUJARAT

ડાંગનાં શામગહાન રેંજમાં સમાવિષ્ટ ચીરાપાડા ગામે કદાવર દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોમાં હાશકારો..

વાત્સલ્યમ સમાચાર

      મદન વૈષ્ણવ

છેલ્લા કેટલાક દિવસોથી ડાંગના સરહદી ગામોમાં ફાળ ફેલાવનાર કદાવર દીપડાને આખરે વન વિભાગે ઝડપી પાડ્યો છે. આહવા તાલુકાના ચીરાપાડા ગામ ખાતે ગોઠવવામાં આવેલા પાંજરામાં આ શિકારી આબાદ રીતે આબાદ ઝડપાઈ જતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, આ દીપડાએ છેલ્લા ઘણા સમયથી ચીરાપાડા, ભૂરાપાણી, શામગહાન અને બારીપાડા જેવા ગામોમાં પોતાનો અડિંગો જમાવ્યો હતો. દીપડો માત્ર રાત્રે જ નહીં, પરંતુ ધોળા દિવસે પણ મરઘાઓ અને નાના પશુઓ પર હુમલો કરતો હતો. વન્ય પશુના આ વધતા આતંકને કારણે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો.ગ્રામજનોની સુરક્ષાને ધ્યાને રાખી, દક્ષિણ ડાંગ વન વિભાગના ડી.સી.એફ. નિરજકુમારના સીધા માર્ગદર્શન હેઠળ એક વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. જેમાં શામગહાન રેંજના આર.એફ.ઓ. ચિરાગભાઈ માછી,ફોરેસ્ટર: મહેશભાઈ ભોયે,બીટગાર્ડ: રવિરાજસિંહ જાડેજા અને મયુરસિંહ ચંપાવત – ટીમે વ્યૂહાત્મક રીતે ચીરાપાડા ગામના સીમ વિસ્તારમાં પાંજરા ગોઠવ્યા હતા. ગતરોજ રાત્રે શિકારની શોધમાં નીકળેલો દીપડો લલચાઈને પાંજરામાં પ્રવેશતા જ કેદ થઈ ગયો હતો.દીપડો પાંજરે પુરાયાના સમાચાર વાયુવેગે પ્રસરતા આસપાસના ગામના લોકો ઉમટી પડ્યા હતા. વન વિભાગની સતર્કતા અને સમયસરની કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી છે, જે બદલ ગ્રામજનોએ વન વિભાગની ટીમનો આભાર માન્યો હતો. પકડાયેલા દીપડાને હવે સુરક્ષિત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!