
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
કચ્છમાં શિક્ષણની કાયાપલટ માટે સરકાર સજ્જ
પીએમ શ્રી શાળાઓ દ્વારા સરકારી શાળાઓને પ્રાઈવેટ કરતાં પણ વધુ હાઇટેક બનાવવાની નેમ, પરંતુ પૂરતા શિક્ષકો હશે તો જ આ સ્વપ્ન સાકાર થશે: કચ્છમાં ટૂંક સમયમાં વિદ્યાસહાયકોની ભરતીના એંધાણ…
મુંદરા :
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું સપનું છે કે દેશની સરકારી શાળાઓ ખાનગી શાળાઓ કરતાં પણ વધુ હાઇટેક, સુવિધાજનક અને ગુણવત્તાયુક્ત બને. આ વિઝનને સાકાર કરવા માટે કેન્દ્ર સરકારની પીએમ શ્રી યોજના હેઠળ કચ્છમાં વધુ 18 શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. આ શાળાઓમાં સ્માર્ટ ક્લાસ, અત્યાધુનિક લેબોરેટરી અને ડિજિટલ લાઈબ્રેરી જેવી સુવિધાઓ તો ઊભી કરવામાં આવશે પરંતુ શિક્ષણવિદો અને વાલીઓનો એક જ સૂર છે કે ગમે તેટલી હાઇટેક સુવિધાઓ હોય, જો પૂરતી સંખ્યામાં શિક્ષકો નહીં હોય તો આ ભૌતિક સાધનો નિરર્થક સાબિત થશે. આ પાયાની જરૂરિયાતને સમજીને રાજ્ય સરકાર હવે કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે યુદ્ધના ધોરણે કાર્યરત થઈ છે.
અંજારના ધારાસભ્ય અને રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ તાજેતરમાં જ સ્પષ્ટ કર્યું છે કે રાજ્ય સરકાર વર્ષ 2026-27ના બજેટમાં શિક્ષણ માટે અનેક મહત્ત્વાકાંક્ષી યોજનાઓ લાવી છે. તેમણે વિશ્વાસ અપાવ્યો છે કે કચ્છના સરહદી વિસ્તારોમાં શિક્ષકોની અછત હવે ભૂતકાળ બનશે, કારણ કે નવી વિદ્યાસહાયક ભરતી માટેની મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. ટેટ પાસ થયેલા 11,000 જેટલા તેજસ્વી ઉમેદવારો તૈયાર છે, જેમને નવા શૈક્ષણિક સત્ર પૂર્વે જ નિમણૂક આપવાની વિચારણા ચાલી રહી છે.
સરકારનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે: માત્ર ઇમારતો કે ટેકનોલોજી નહીં, પણ ‘ગુરુ’ (શિક્ષક) દ્વારા જ્ઞાનનું સિંચન થાય તો જ ગુજરાતનું બાળક ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરી શકશે. પીએમ શ્રી યોજના હેઠળની હાઇટેક શાળાઓમાં જ્યારે નવા લોહી સમાન ઉત્સાહી શિક્ષકો જોડાશે, ત્યારે જ વડાપ્રધાનશ્રીનું ‘રોલ મોડેલ’ ગુજરાતનું સપનું સાચું ઠરશે. કચ્છ જિલ્લા શિક્ષણ તંત્ર પણ આ દિશામાં સંનિષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે જેથી આગામી જૂન મહિનાથી શરૂ થતા નવા સત્રમાં બાળકોને આધુનિક વર્ગખંડની સાથે સાથે વિષયવાર નિષ્ણાત શિક્ષકોનો પણ લાભ મળે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



