Rajkot: ‘ટી.બી. મુક્ત ભારત’ અભિયાનમાં જનભાગીદારીનું પ્રેરણાદાયી દ્રષ્ટાંત : ૦૬ માસનો વીર બન્યો યંગેસ્ટ ‘નિક્ષય મિત્ર’

તા.૨૩/૨/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
૦૬ માસ સુધી ન્યુટ્રિશન કીટ આપીને ૦૬ દર્દીઓને ક્ષયમુક્ત બનવામાં સહભાગી થશે રાજકોટનો રાયચુરા પરિવાર
Rajkot: ગુજરાત સરકાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ટી.બી.મુક્ત ભારત’ના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ છે, આ સંદર્ભમાં રાજકોટના રાયચુરા પરિવારે ક્ષય નિર્મૂલન ઝુંબેશમાં જનભાગીદારીનું પ્રેરણાદાયી દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. માત્ર ૦૬ માસનો વીર રાયચુરા સૌથી નાની વયનો ‘નિક્ષય મિત્ર’ બનીને ટી.બી. નાબૂદીના અભિયાનમાં સહભાગી થયો છે, જે રાજકોટ માટે ગૌરવની બાબત છે.
રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે સેવાભાવી શ્રી કાજલબેન રાયચુરા અને દંપતી શ્રી માનસીબેન અને શ્રી જીતભાઈ રાયચુરાએ તેમના પુત્ર વીરની ‘નિક્ષય મિત્ર’ તરીકે ઓનલાઇન નોંધણી કરી છે. દંપતીએ વીરના છઠ્ઠા માસિક જન્મદિવસની ઉજવણી નિમિત્તે સરકારની ‘નિક્ષય મિત્ર’ યોજના હેઠળ ટી.બી.ના ૦૬ દર્દીઓને દત્તક લીધા છે. ગત તા. ૨૧ના રોજ દંપતીએ આ દર્દીઓને પોષણક્ષમ આહાર કીટ આપી હતી. તેમજ સેવાભાવી પરિવાર આગામી ૦૬ માસ સુધી દર્દીઓના પોષણની જવાબદારી ઉઠાવી, તેમને રોગમુક્ત થવામાં મદદરૂપ થશે. આ કાર્યક્રમમાં તબીબોએ દર્દીઓને નિયમિત સારવાર અને પોષણ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે પારુલ યુનિવર્સિટીના ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા ટી.બી.ના દર્દીઓને નિ:શુલ્ક નિદાન અને સારવાર પૂરી પાડવામાં આવે છે. દર્દીઓને સારવાર દરમિયાન પોષણક્ષમ આહાર અનિવાર્ય છે. આથી, નાગરિકો ‘નિક્ષય મિત્ર’ બનીને ટી.બી.ના દર્દીઓને દત્તક લે અને ભારતને ક્ષયમુક્ત બનાવવામાં યોગદાન આપે, તેવો રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્રની યાદીમાં અનુરોધ કરાયો છે.






