Rajkot: લગ્નના દબાણ વચ્ચે અભ્યાસની જીદ કરતી યુવતીની વ્હારે પહોંચી ‘અભયમ્’ ટીમ

તા.૨૩/૨/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
યુવતીને ‘સખી વન સ્ટોપ સેન્ટર’ ખાતે સુરક્ષિત આશ્રય અપાયો
રાજ્યમાં મહિલાઓની સુરક્ષા અને તેમના સર્વાંગી વિકાસ માટે કાર્યરત ગુજરાત સરકારની ‘૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન’ ફરી એકવાર પીડિત યુવતી માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. રાજકોટમાં અભ્યાસ કરી આત્મનિર્ભર બનવા માંગતી યુવતીને તેના જ પરિવાર દ્વારા અભ્યાસ છોડાવી લગ્ન માટે કરવામાં આવતા માનસિક ત્રાસ સામે અભયમ્ ટીમે સમયસર રક્ષણ પૂરું પાડ્યું છે.
રાજકોટમાં ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર એક ૨૦ વર્ષીય યુવતીનો કોલ આવ્યો હતો, જેમાં તેણે આક્ષેપ કર્યો હતો કે માતા-પિતા આગળ અભ્યાસ કરવા દેવા માંગતા નથી અને લગ્ન કરાવવા માટે દબાણ કરી રહ્યા છે. ઘટનાની ગંભીરતાને સમજીને અભયમ્ ટીમ તત્કાલ યુવતીના ઘરે પહોંચી હતી, જ્યાં યુવતી રડતી અને ગભરાયેલી હાલતમાં મળી આવી હતી.
કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ જણાવ્યું કે તે ત્રણ બહેનોમાં સૌથી મોટી છે. માતા-પિતા અન્ય બે નાની બહેનોને અભ્યાસ કરાવે છે, પરંતુ મોટી દીકરી હોવાને કારણે તેની પાસે માત્ર ઘરકામ કરાવવામાં આવે છે અને તેને વાંચવા માટે સમય આપવામાં આવતો નથી. યુવતીએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે તે પાર્લરનું કામ શીખીને આત્મનિર્ભર બનવા માંગે છે, પરંતુ તેના પિતાએ માનસિક ત્રાસ આપીને કોર્સ કરવાની મનાઈ કરી છે.
અભયમ્ ટીમ દ્વારા જ્યારે યુવતીના પિતાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું, ત્યારે પિતાએ જણાવ્યું હતું કે જો મોટી દીકરી ભણવા જાય તો ઘરની જવાબદારી અને કામ કોણ સંભાળે. પિતાના નકારાત્મક અભિગમ અને યુવતીની સુરક્ષાને ધ્યાને રાખીને ટીમે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, યુવતીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો તેને જબરદસ્તીથી ઘરે રાખવામાં આવશે તો તે આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ભરી શકે છે.
પિતા દીકરીના ભવિષ્ય માટે સમજવા તૈયાર ન થતા, અંતે યુવતીની માનસિક શાંતિ અને સુરક્ષા માટે તેને રાજકોટ સ્થિત ‘સખી વન સ્ટોપ સેન્ટર’ ખાતે સુરક્ષિત આશ્રય માટે રીફર કરવામાં આવી હતી. સમયસર મદદ મળતા યુવતીએ ૧૮૧ અભયમ્ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.




