
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
ભુજની કચ્છ યુનિવર્સિટીમાં ‘ભારતીય જ્ઞાન પરંપરા અને ઐતિહાસિક સાહિત્ય’ પર રાષ્ટ્રીય પરિસંવાદ યોજાશે
ભુજ: 26 ફેબ્રુઆરી 2026
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતના સહયોગથી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ તથા શ્રી હમીરજી રત્નું લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા આગામી ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬, ગુરૂવાર ના રોજ એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિસંવાદનો મુખ્ય વિષય ‘ભારતીય જ્ઞાન પરંપરા અને ઐતિહાસિક સાહિત્ય’ રાખવામાં આવ્યો છે.
આ રાષ્ટ્રીય સેમિનારનું ઉદ્ઘાટન સવારે ૯:૩૦ કલાકે યુનિવર્સિટીના કોર્ટ હોલ ખાતે થશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલ ઉપસ્થિત રહેશે. ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા વિશેષ ઉપસ્થિતિ આપશે. આ દિવસે શ્રી દુલેરાય કારણીજીની જન્મ જયંતી હોવાથી સવારે ૯ કલાકે ઉપસ્થિત સર્વે મહાનુભાવોના હસ્તે પુષ્પાંજલી અર્પણ કરવામાં આવશે.
જાણીતા વિદ્વાન શ્રી ગૌતમ પટેલ ‘સંસ્કૃત સાહિત્ય અને ભારતીય જ્ઞાન પરંપરાનો સમન્વય ‘ વિષય પર બીજરૂપ વક્તવ્ય રજૂ કરશે.
પરિસંવાદના પ્રથમ સત્રમાં એસ.પી. યુનિવર્સિટીના ડો. સુધા ચૌહાણ અને એમ.એસ. યુનિવર્સિટીના ડો. દિપેન્દ્રસિંહ જાડેજા અનુક્રમે ગુજરાતી અને હિન્દી સાહિત્યમાં ભારતીય જ્ઞાન પરંપરાના પ્રદાન વિશે વાત કરશે. દ્વિતીય સત્રમાં શ્રી જયંતિ જોષી ‘શબાબ’ કચ્છી સાહિત્યમાં ભારતીય જ્ઞાન પરંપરા વિશે વાત કરશે અને સમાપન સત્રમાં શ્રી કાનજી મહેશ્વરી મામઇ દેવની વાણી અને જ્ઞાન પરંપરા પર પ્રકાશ પાડશે. આ દરમિયાન સંશોધકો દ્વારા શોધપત્ર વાચન પણ કરવામાં આવશે.
આ પરિસંવાદનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય ભાષાઓ, મૌખિક પરંપરાઓ, લોકકથાઓ અને પ્રાદેશિક જ્ઞાન પ્રણાલીઓના આંતરજોડાણને તપાસવાનો છે. ખાસ કરીને કચ્છ જેવા પ્રદેશના સાંસ્કૃતિક વારસા અને સાહિત્યિક ઇતિહાસને આધુનિક સંદર્ભમાં ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુનિવર્સિટીના કુલસચિવ ડો. અનિલ ગોર, સંયોજક ડો. કાશ્મીરા મહેતા, ડો. કે.એમ. ત્રિવેદી અને ડો. પંકજ ઠાકર તથા સમગ્ર આયોજન સમિતિ જહેમત ઉઠાવી રહી છે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



