MORBI:મોરબીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને ‘દિશા’ સમિતિની બેઠક અન્વયે વિકાસલક્ષી કામોની સર્વગ્રાહી સમીક્ષા કરાઈ

MORBI:મોરબીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને ‘દિશા’ સમિતિની બેઠક અન્વયે વિકાસલક્ષી કામોની સર્વગ્રાહી સમીક્ષા કરાઈ
જન કલ્યાણકારી યોજનાઓના અસરકાર અમલીકરણ અને તેના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા સાંસદશ્રીની તાકીદ
મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ‘ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી’ (દિશા) ની બેઠક કચ્છ-મોરબી વિસ્તારના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં ચાલી રહેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને માળખાગત સુવિધાઓના કામોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં અધ્યક્ષશ્રી દ્વારા ડિસેમ્બર-૨૦૨૫ ના અંત સુધીમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી ભૌતિક અને નાણાકીય કામગીરીની ઝીણવટભરી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. સાંસદશ્રીએ આ તકે VB -GRAM G, NRLM – 2, પ્રધાનમંત્રી આવાસ યોજના, સાંસદ આદર્શ ગ્રામ યોજના, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અને સોઇલ હેલ્થ કાર્ડ, મહિલા અને બાળ સુરક્ષા, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને માતૃ વંદના યોજના, પીએમ પોષણ અને પીએમ કૌશલ્ય યોજના, પીએમ રોજગાર નિર્માણ કાર્યક્રમ સરકારી યોજનાઓની સમીક્ષા કરી હતી. ઉપરાંત આ યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી સમયસર અને પારદર્શક રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી.
આ બેઠક દરમિયાન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મોરબી મહાનગર પાલિકા અને જિલ્લાની નગરપાલિકાઓ, માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા, આરોગ્ય, શિક્ષણ અને ખેતીવાડી જેવા મહત્વના વિભાગોના વડાઓએ પોતપોતાના વિભાગની સિદ્ધિઓ અને પ્રગતિ હેઠળના કામોનો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો. જે અન્વયે કેન્દ્ર અને રાજ્ય સરકારની સંયુક્ત યોજનાઓના અસરકારક અમલીકરણ માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને જિલ્લાના સર્વાંગી વિકાસ માટેના જરૂરી રચનાત્મક સૂચનો કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી, મોરબી તાલુકા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ દેસાઈ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મુકેશ પટેલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકરી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ. ગઢવી, નિવાસી અધિક કલેકટરશ્રી એસ.જે. ખાચર, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરશ્રી સંજય સોની, પ્રાંત અધિકારીશ્રીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ તથા વહીવટી તંત્રના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.










