MORBI:મોરબી નાયબ કમિશનરનું ક્લસ્ટર-6 માં સરપ્રાઈઝ ચેકિંગ, પ્લાસ્ટિક વાપરતા વેપારીઓ દંડાયા.

MORBI:મોરબી નાયબ કમિશનરનું ક્લસ્ટર-6 માં સરપ્રાઈઝ ચેકિંગ, પ્લાસ્ટિક વાપરતા વેપારીઓ દંડાયા.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે આક્રમક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે નાયબ કમિશનર (પ્રો.) સંજયકુમાર સોનીએ ક્લસ્ટર-6 ના વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત લઈ સફાઈ કામગીરીની સમીક્ષા કરી હતી અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ સામે લાલ આંખ કરી હતી.
સફાઈમાં બેદરકારી નહીં ચલાવાય: નાયબ કમિશનર
નાયબ કમિશનરશ્રીએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ સાથે ગઢની રંગ, રામઘાટ, મહિલા પોલીસ સ્ટેશન રોડ અને વજેપર જેવા વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન પોઈન્ટ્સ પર કચરો સમયસર ઉપાડવા અને GVP પોઈન્ટ્સ (કચરાના ઢગલા થતા સ્થળો) ને કાયમી ધોરણે સાફ રાખવા કડક સૂચના આપી હતી.પ્લાસ્ટિક વાપરતા વેપારીઓ પાસેથી ₹9000 નો દંડ વસૂલાયો નગર દરવાજા અને શાક માર્કેટ જેવા મુખ્ય વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન, પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 12 જેટલા વેપારીઓ ઝડપાયા હતા. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધ્યક્ષ અનુરાગભાઈ સંતોકીની હાજરીમાં આ વેપારીઓ પાસેથી કુલ ₹9,000 નો દંડ વસૂલવામાં આવ્યો હતો. પાલિકાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં આ કામગીરી વધુ સઘન બનાવવામાં આવશે.
સ્વચ્છતા અભિયાનની સાથે મોરબી મહાનગરપાલિકાએ પર્યાવરણ જતનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પાલિકાની મુખ્ય કચેરી ખાતે છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા પ્રોજેક્ટ અંતર્ગત 2 ટન કંપોસ્ટ ખાતર તૈયાર કરવામાં આવ્યું છે.
આ ખાતરની બજાર કિંમત અંદાજે રૂ.60,000 છે.
આ ખાતરનો ઉપયોગ શહેરના બગીચાઓ અને નવા વવેતર કરવામાં આવનાર વૃક્ષોના ઉછેર માટે કરવામાં આવશે.
આમ, એક તરફ સફાઈ અને દંડની કાર્યવાહી અને બીજી તરફ કચરામાંથી ખાતર બનાવીને મોરબી મહાનગરપાલિકા શહેરના વિકાસ અને પર્યાવરણ બંને પાસાઓ પર ભાર મૂકી રહી છે.











