GUJARATPANCHMAHALSHEHERA

RBSK યોજના બની વરદાન: પંચમહાલના અંતરિયાળ વિસ્તારના બાળકની કપાયેલ હોઠ-તાળવાની ખામી દૂર થઈ

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

ખેત મજૂરના બાળકની વ્હારે આવી RBSK ટીમ, નિઃશુલ્ક ઓપરેશનથી મળ્યું સ્મિત

 

જન્મજાત ખામી સામે વિજય: પંચમહાલના ગોધરા તાલુકામાં બાળકના કપાયેલ હોઠ અને તાળવાનું સફળ ઓપરેશન

 

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) યોજના સામાન્ય અને ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. તાજેતરમાં પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના એક અંતરિયાળ ગામમાં ખેતીકામ કરતા પરિવારના ઘરે જન્મેલા બાળકની જન્મજાત ખામીને આ યોજના અંતર્ગત દૂર કરી તેને નવું જીવન બક્ષવામાં આવ્યું છે.

 

ગોધરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કલ્યાણા હેઠળના વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ સોલંકીના ઘરે જ્યારે બાળકનો જન્મ થયો, ત્યારે તેના હોઠ કપાયેલા (Cleft Lip) હતા અને તાળવામાં મોટું કાણું (Cleft Palate) હતું. આ જોઈ પરિવાર ભારે ચિંતામાં મુકાઈ ગયો હતો. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવાર કરાવવી તેમના માટે અશક્ય હતી.

 

બાળકના જન્મની જાણ થતા જ વિસ્તારના RBSK ડૉક્ટર્સની ટીમ, ફિલ્ડ સ્ટાફ અને આશાબેન દ્વારા તાત્કાલિક તે પરિવારની મુલાકાત લેવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓએ પરિવારને સમજાવ્યું કે આ ખામી કાયમી નથી અને સરકારની RBSK યોજના હેઠળ તેનું સંપૂર્ણ મફત ઓપરેશન થઈ શકે છે.

 

ડૉક્ટર્સના માર્ગદર્શન હેઠળ બાળકની સારવાર બે તબક્કામાં વડોદરા ખાતે કરવામાં આવી.પ્રથમ તબક્કામાં બાળકની ઉંમર 5 માસની થઈ ત્યારે કપાયેલા હોઠનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું.જ્યારે દ્વિતીય તબક્કામાં બાળક 1.5 વર્ષનું થતા તાળવાની ખામી દૂર કરવા માટેનું બીજું સફળ ઓપરેશન કરાયું.

ઓપરેશન બાદ પણ આરોગ્યની ટીમ દ્વારા સતત ગૃહ મુલાકાત લઈને બાળકના સ્વાસ્થ્યનું ફોલોઅપ લેવામાં આવ્યું હતું.

 

આર.બી.એસ.કેની ટીમ દ્વારા થયેલ સફળ સારવાર બદલ બાળકના પિતા પ્રકાશભાઈએ ભાવુક થઈ જણાવ્યું કે, “જ્યારે બાળક જન્મેલું ત્યારે અમે ખૂબ ડરી ગયા હતા, પણ ડૉક્ટરો અમારા માટે ભગવાન બનીને આવ્યા. આજે મારું બાળક એકદમ સ્વસ્થ છે અને સામાન્ય બાળકોની જેમ હસી શકે છે. હું સરકારશ્રી અને આરોગ્ય સ્ટાફનો દિલથી આભાર માનું છું.”

 

આમ, આરોગ્ય કર્મચારીઓની મહેનતને કારણે તથા સરકારશ્રીની આર.બી.એસ.કે યોજના આશીર્વાદરૂપ થતા આજે પંચમહાલનું આ બાળક ખામીરહિત અને તંદુરસ્ત જીવન જીવી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!