
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
સંકલ્પ હબથી સશક્તિકરણ..અમીબેન ભાવસારની પ્રેરણાદાયી સફળતા…ઘરેથી હેન્ડીક્રાફ્ટ બિઝનેસમાં અસાધારણ ઉડાન
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં રહેતી અમીબેન ભાવસાર એક સામાન્ય ગૃહિણિ હતી, પરંતુ તેમની અંદર છુપાયેલી અસાધારણ સર્જનાત્મકતા અને હિંમતે તેમને આજે આત્મનિર્ભર મહિલા ઉદ્યમી તરીકે ઓળખ અપાવી છે. છેલ્લા 15-16 વર્ષથી તેઓ ઘરેથી જ હસ્તકળા (હેન્ડીક્રાફ્ટ)નો બિઝનેસ કરી રહ્યા છે, જેમાં તેઓ આકર્ષક અને સુંદર વસ્તુઓ બનાવીને લગ્નપ્રસંગો, મામેરા તથા અન્ય ઉત્સવ-પ્રસંગો માટે વિશેષ સજાવટ કરી આપે છે.બાળપણથી જ હસ્તકળા પ્રત્યે ઊંડો રસ ધરાવતી અમીબેનના પારિવારિક સમર્થને કારણે અમીબેન પોતાની પ્રતિભાને વિસ્તાર આપી શક્યા.આ સફરમાં મહત્વની ભૂમિકા ભજવી છે સંકલ્પ: ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેન (DHEW) એ. જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીના તાબા હેઠળના આ હબ દ્વારા ડૉ. ભરતભાઈ પરમાર અને રાધાબેન સોનીએ અમીબેનની પ્રતિભાને ઓળખી, તેમને મહિલા આર્થિક વિકાસ નિગમની યોજનાઓની વિગતવાર માહિતી આપી અને પોર્ટલ પર નોંધણી કરાવી.
તારીખ 19 થી 21 ડિસેમ્બર 2025 દરમિયાન મોડાસામાં યોજાયેલા **“સશક્ત નારી સ્વદેશી મેળા”**માં અમીબેનને વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યો. આ તેમના જીવનનો પ્રથમ મોટો પ્લેટફોર્મ હતો, જ્યાં તેમણે પોતાની હસ્તનિર્મિત અનોખી કૃતિઓ પ્રદર્શિત કરી અને સારું વેચાણ કર્યું. તેમની કલાકારીએ મુલાકાતીઓ તથા અધિકારીઓનું ધ્યાન ખેંચ્યું.અરવલ્લી જિલ્લાના કલેક્ટર પ્રશસ્તિ પારીક અને જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયાએ તેમના સ્ટોલની મુલાકાત લઈને પ્રશંસા કરી, જેણે અમીબેનનો આત્મવિશ્વાસ વધાર્યો.
આ સફળતા પછી તેમને શામળાજી મંદિર ખાતે યોજાયેલા શાળાજી ઉત્સવ માટે વિશેષ ઓર્ડર મળ્યો. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં શામળિયા ભગવાનને હસ્તકળાથી સુશોભિત કરી વિશેષ ભેટ તૈયાર કરવાની જવાબદારી તેમણે નિભાવી, જેનાથી તેમની પ્રતિષ્ઠા અને આવક બંને વધ્યા.હાલ અમીબેનને જિલ્લામાં આગવી ઓળખ મળી છે અને નવા ઓર્ડરોનો પ્રવાહ વધ્યો છે. સંકલ્પ હબ દ્વારા તેમને મહિલા સ્વાવલંબન યોજના અંગે માર્ગદર્શન અને ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે, જે તેમની આત્મનિર્ભરતાને વધુ મજબૂત બનાવશે.અમીબેન ભાવસારની આ સફળતા દર્શાવે છે કે પરિવારનો સહયોગ, સરકારી યોજનાઓનું માર્ગદર્શન અને વ્યક્તિગત મહેનતથી કોઈ પણ મહિલા પોતાની પ્રતિભાથી સમાજમાં અલગ ઓળખ બનાવી શકે છે. સંકલ્પ હબ જેવી પહેલો અનેક મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના માર્ગે લઈ જઈ રહી છે.





