
વિજાપુર માર્કેટ યાર્ડની મુલાકાતે બ્રાઝિલના વેપારીઓનું પ્રતિનિધિમંડળ
એરંડાના પાકની ગુણવત્તા અને આયાત-નિકાસની શક્યતાઓનો કર્યો અભ્યાસ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર એ.પી.એમ.સી. માર્કેટ યાર્ડ ખાતે બ્રાઝિલ દેશના વેપારીઓનું એક પ્રતિનિધિમંડળ મુલાકાતે આવ્યું હતું. આ મુલાકાતનો મુખ્ય હેતુ ખાસ કરીને એરંડાના પાકની ગુણવત્તાની ચકાસણી કરવાનો તથા તેના વેપાર સંબંધિત વ્યવહારુ પાસાઓનો અભ્યાસ કરવાનો હતો.વિદેશી પ્રતિનિધિમંડળે માર્કેટ યાર્ડમાં ચાલી રહેલી ખરીદી-વેચાણ પ્રક્રિયા, હરાજી પદ્ધતિ, સંગ્રહ અને ગુણવત્તા નિર્ધારણ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. વેપારીઓએ એરંડાના નમૂનાઓની તપાસ કરી તેની ગુણવત્તા, ઉત્પાદન ક્ષમતા અને નિકાસ માટેની યોગ્યતા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
ભારત અને બ્રાઝિલ વચ્ચે કૃષિ ઉત્પાદનોના આયાત-નિકાસ વેપારને વધુ પ્રોત્સાહન મળે તે હેતુસર પ્રતિનિધિમંડળે એ.પી.એમ.સી.ની કાર્ય પદ્ધતિનું નિરીક્ષણ કર્યું હતું. સ્થાનિક સ્તરે ઉત્પન્ન થતા ખેત ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારમાં ઓળખ મળે અને ખેડૂતોને વૈશ્વિક બજારમાં યોગ્ય ભાવ પ્રાપ્ત થાય તે દિશામાં આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.




