AHAVADANGGUJARAT

ડાંગના ભીલ રાજાઓની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં સમાજની રક્ષા અને સંસ્કૃતિના જતન માટે સ્નેહમિલનનું આયોજન..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાની પવિત્ર અને ઐતિહાસિક ભૂમિ પર તાજેતરમાં સમસ્ત ભીલ સમાજનું એક વિશાળ સ્નેહમિલન સંમેલન યોજાઈ ગયું, જેમાં ડાંગના ગૌરવ સમાન પાંચેય ભીલ રાજાઓએ વિશેષ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. આ સંમેલન માત્ર એક મિલન નહીં, પરંતુ સમાજની અસ્મિતા, ભીલ સંસ્કૃતિના રક્ષણ અને જંગલોના સંવર્ધન માટેનો એક મજબૂત મંચ બન્યું હતું. રાજાઓએ સમાજના યુવાનો અને વડીલોને સંબોધતા જણાવ્યું હતું કે, જંગલ એ માત્ર આપણી આજીવિકા નથી પરંતુ આપણી ઓળખ છે. અંગ્રેજો સામેના સંઘર્ષના દિવસોને યાદ કરતા જણાવવામાં આવ્યું હતું કે, જે રીતે પૂર્વજોએ જંગલ બચાવવા માટે બ્રિટિશ સત્તાને પણ ધૂળ ચટાડી હતી, તેવી જ રીતે આજના આધુનિક સમયમાં પણ આપણી રૂઢિગત પરંપરાઓ અને સંસ્કૃતિને બચાવવી અનિવાર્ય છે. ઉલ્લેખનીય છે કે, ડાંગના ભીલ રાજાઓનું સાહસ એટલું અપ્રતિમ છે કે આજે પણ દેશના ઇતિહાસમાં તેમનું વિશેષ સ્થાન છે અને રાજ્યપાલના હસ્તે જાહેરમાં તેમનું સન્માન કરવાની ગૌરવશાળી પ્રથા આજે પણ અકબંધ છે.આ સ્નેહમિલન દરમિયાન સમાજના આગેવાનો અને ભીલ રાજાઓ દ્વારા સરકાર સમક્ષ કેટલીક પાયાની માંગણીઓ પણ મૂકવામાં આવી હતી. જેમાં વર્ષો જૂની ‘પોલીસ પટેલ’ની પ્રથાને ફરીથી સક્રિય અને મજબૂત કરવાની અપીલ કરવામાં આવી હતી. અગાઉના સમયમાં જ્યારે પણ જંગલમાં આગ જેવી હોનારત સર્જાતી, ત્યારે આ પોલીસ પટેલો અને કારભારીઓ આખાય ગામને સંગઠિત કરી જંગલના નુકસાનને અટકાવતા હતા. વન સંપત્તિના રક્ષણ માટે આ પરંપરાગત વહીવટી માળખું ખૂબ જ અસરકારક હોવાનું જણાવી તેને યથાવત રાખવા ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આદિવાસી સંસ્કૃતિના મૂળિયાં જળવાઈ રહે તે માટે ગામડાઓમાં રૂઢિગત ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે. આ સંમેલને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પ્રકૃતિ અને પરંપરાનું રક્ષણ એ જ ભીલ સમાજની સર્વોચ્ચ પ્રાથમિકતા છે..

Back to top button
error: Content is protected !!