બોડેલીમાં પિતાનું અનોખું સમર્પણ : ફ્રેક્ચર થયેલી દીકરીને ઉંચકી લઈ પહોંચાડ્યા પરીક્ષા કેન્દ્રે


ધોરણ 10ની મહત્વપૂર્ણ બોર્ડ પરીક્ષા દરમિયાન બોડેલી વિસ્તારમાંથી એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. પોતાની દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે એક પિતાએ અનોખું સાહસ અને સમર્પણ દર્શાવી સમાજ સમક્ષ માતા-પિતાની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
દીકરી ભૂમિકા રાઠવાના પગમાં ફ્રેક્ચર હોવાથી તે ચાલી શકતી ન હતી. આવી મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાં પરીક્ષા ચૂકી ન જાય તે માટે પિતા આત્મારામે પોતાની દીકરીને ઉંચકી લઈને જાતે જ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી.
આ ઘટના બોડેલીની Sheth H.H. High School ખાતે જોવા મળી હતી, જ્યાં ધોરણ 10ની પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવી રહી છે. પરીક્ષા કેન્દ્ર પર હાજર શિક્ષકો, સ્ટાફ અને વાલીઓએ જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે સૌની આંખો ભીની થઈ ગઈ અને પિતાની મહેનતને બિરદાવ્યા વગર રહી શક્યા નહીં.
પિતાએ જણાવ્યું હતું કે, “મારી દીકરીનું ભવિષ્ય મારા માટે સૌથી મહત્વનું છે. કોઈ પણ સંજોગોમાં તેની પરીક્ષા છૂટે નહીં, એ માટે હું કંઈપણ કરવા તૈયાર છું.” તેમની આ વાતોમાંથી દીકરી પ્રત્યેનો પ્રેમ, વિશ્વાસ અને જવાબદારી સ્પષ્ટ રીતે ઝળહળી ઊઠી.
ભૂમિકા પણ પિતાના આ ત્યાગથી ભાવુક બની ગઈ હતી. આ ઘટના માત્ર એક પરિવારની નથી, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની છે. આજના સમયમાં જ્યાં ઘણા માતા-પિતા વ્યસ્ત જીવનમાં બાળકોને પૂરતો સમય આપી શકતા નથી, ત્યાં આત્મારામ જેવા પિતા સંતાન માટે દરેક મુશ્કેલી સહન કરી આગળ વધે છે — જે ખરેખર પ્રશંસનીય છે.
બોડેલીની આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે માતા-પિતાનો પ્રેમ, ત્યાગ અને સમર્પણ અનમોલ છે. દીકરીના ભવિષ્ય માટે પિતાની આ અડગ હિંમત અને મહેનત લોકોના દિલને સ્પર્શી ગઈ છે અને સમાજમાં સકારાત્મક સંદેશો ફેલાવી રહી છે.
રિપોર્ટર : તોસીફ ખત્રી





