Rajkot: ’યોગમય ગુજરાત’ના અભિયાનને વેગ આપવા નવા ટ્રેનર્સ સજ્જ

તા.૨૭/૨/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૦૦થી વધુ યોગ ટ્રેનર્સની પ્રેક્ટિકલ પરીક્ષા યોજાઈ
Rajkot: ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા ખાતે યોગ ટ્રેનર્સ માટેની પ્રેક્ટિકલ પરીક્ષાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં ૧૦૦થી વધુ ભાવિ યોગ ટ્રેનર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો.
યોગ બોર્ડના નિયમોનુસાર, આ ટ્રેનર્સે પ્રથમ એક મહિનો અનુભવી કોચ પાસે ઓફલાઇન તાલીમ મેળવી હતી અને ત્યારબાદ એક મહિનો ઓનલાઇન માધ્યમથી સઘન તાલીમ પૂર્ણ કરી હતી. આ બે મહિનાની સંપૂર્ણ તાલીમ બાદ તેમની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, યોગ બોર્ડ દ્વારા દર મહિને આવી પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે જેથી વધુમાં વધુ લોકો યોગ સાથે જોડાઈ શકે.
પરીક્ષાના અંતે ઉપસ્થિત અધિકારીઓ અને નિષ્ણાતો દ્વારા તમામ ટ્રેનર્સને યોગ ક્લાસ કેવી રીતે શરૂ કરવા અને વધુમાં વધુ લોકોને યોગાભ્યાસમાં કેવી રીતે જોડવા તે અંગેનું વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ‘ઘર-ઘર યોગ’ ના સૂત્રને સાર્થક કરવા માટે ભાવિ ટ્રેનર્સમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.





