
વિજાપુર એસ.ટી. ડેપો પર ગંદકી કરનારાઓ સામે કડક કાર્યવાહી ૨૭ જણા ઝડપાયા, સ્થળ પર જ રૂ. ૧,૩૫૦ દંડ વસૂલાયો

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરના ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ સંચાલિત એસ.ટી. ડેપો ખાતે જાહેર સ્થળે પાન મસાલાની પિચકારી મારી ગંદકી ફેલાવનારાઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તા. ૧૨-૦૨-૨૦૨૬ થી તા. ૨૮-૦૨-૨૦૨૬ દરમિયાન ડેપો પર ખાસ ચકાસણી અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
આ અભિયાન દરમિયાન કુલ ૨૭ વ્યક્તિઓને સ્થળ પર જ ઝડપીને તેમની પાસેથી રૂ. ૧,૩૫૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો. ડેપો મેનેજર વિજયભાઈ ચૌધરીની સૂચના અનુસાર ડેપો પર સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સ્ટાફને સત્વરે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે.
ડેપો તંત્ર દ્વારા જણાવાયું હતું કે જાહેર સ્થળે ગંદકી ફેલાવનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે. સાથે જ ડેપો પર સફાઈ કામગીરી વધુ ગતિમાન બનાવવામાં આવી છે અને મુસાફરોને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે.
તંત્રએ વધુમાં જણાવ્યું હતું કે જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવી દરેક નાગરિકની સંયુક્ત જવાબદારી છે અને આગામી દિવસોમાં પણ આવા તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે તેમ તંત્ર દ્વારા જણાવવા માં આવ્યું હતુ



