MORBI:મોરબીમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા: એક જ રાતમાં ૧૫થી વધુ કારના કાચ ફોડી અજાણ્યા શખ્સોએ મચાવ્યો આતંક




MORBI:મોરબીમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા: એક જ રાતમાં ૧૫થી વધુ કારના કાચ ફોડી અજાણ્યા શખ્સોએ મચાવ્યો આતંક
મોરબી શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો હોય તેમ જણાય છે. શનિવારે રાત્રિના સમયે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં અજાણ્યા શખ્સોએ આતંક મચાવી પાર્ક કરેલી ૧૫ જેટલી કારના કાચ તોડી નાખતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.


પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના જીઆઇડીસી મેઇન રોડ, છાત્રાલય રોડ અને મુનનગર સહિતના રહેણાંક તેમજ વ્યાપારી વિસ્તારોમાં ગત રાત્રે તોડફોડની ઘટના બની હતી. રાત્રિના અંધકારનો લાભ લઈ અજાણ્યા શખ્સોએ રોડ પર પાર્ક કરેલી વાહનોને નિશાન બનાવ્યા હતા. સવારે જ્યારે વાહન માલિકો જાગ્યા ત્યારે પોતાની કારના કાચ તૂટેલી હાલતમાં જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, કોઈ ટીખળખોરોએ વિકૃત આનંદ મેળવવા અથવા તો પોલીસની ધાક ઓસરી ગઈ હોય તેમ આ કૃત્ય આચર્યું છે. એક જ રાતમાં આટલી મોટી સંખ્યામાં વાહનોમાં તોડફોડ થતા પોલીસના રાત્રિ પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.

આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેથી આ અજાણ્યા તત્વોને ઝડપી શકાય. બીજી તરફ, શહેરમાં ક્રાઈમ રેટ ઘટાડવા અને રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવાની લોકમાંગ પ્રબળ બની છે.




