ગીર પંથકના ખેડૂતોમાં આનંદનો વ્યાપ : જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાની રજૂઆત ફળી, ‘સૌની યોજના’ લિંક-૪ને મળી સૈદ્ધાંતિક મંજૂરી
લાછડી ડેમ પાઈપલાઈનથી ભરાશે: દેવકા, જંગર, કાલિન્દ્રી, ચુલડી અને ખોરાસા ગીર સહિતના ગામોની હજારો એકર જમીનને મળશે સિંચાઈનું પાણી

લાછડી ડેમ પાઈપલાઈનથી ભરાશે: દેવકા, જંગર, કાલિન્દ્રી, ચુલડી અને ખોરાસા ગીર સહિતના ગામોની હજારો એકર જમીનને મળશે સિંચાઈનું પાણી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
ગીર સોમનાથ : ગીર પંથકના ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ગીર વિસ્તારના હિત અને વિકાસ માટે સતત કાર્યશીલ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ચંદુભાઈ મકવાણા દ્વારા રાજ્ય સરકારમાં કરવામાં આવેલી મજબૂત અને સચોટ રજૂઆતના પગલે સરકાર દ્વારા ‘સૌની યોજના’ લિંક-૪ ને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ મહત્વકાંક્ષી યોજનાથી વર્ષોથી પાણીની સમસ્યા વેઠતા ગીરના અનેક ગામોમાં સિંચાઈનો નવો સૂર્યોદય થશે.
જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ગીર વિસ્તારના ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ માટે પાણી એ પાયાની જરૂરિયાત છે. લાછડી ડેમને પાઈપલાઈન દ્વારા ભરવા માટેની દરખાસ્ત લાંબા સમયથી પ્રક્રિયા હેઠળ હતી, જેને રાજ્ય સરકારે ગ્રાહ્ય રાખી છે. આ મંજૂરી મળતા હવે લાછડી ડેમ સીધો નર્મદાના પાણીથી ભરાશે, જેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ભૂગર્ભ જળ પણ ઊંચા આવશે.
આ ગામોને થશે સીધો લાભ:
આ યોજના અંતર્ગત પાઈપલાઈન નેટવર્ક દ્વારા દેવકા, જંગર, કાલિન્દ્રી, ચુલડી તેમજ ખોરાસા ગીર સાથે જોડાયેલા તમામ સીમ વિસ્તારોને સિંચાઈનો પ્રત્યક્ષ લાભ મળશે. ખાસ કરીને ઉનાળુ પાક લેતા ખેડૂતો માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થશે.
સરકારનો માન્યો આભાર:
આ ઐતિહાસિક નિર્ણય બદલ ચંદુભાઈ મકવાણાએ ગુજરાત સરકાર અને જળસંપત્તિ મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, “સરકારે ‘વિસ્તારનો દીકરો – વિસ્તારનું ભલું’ એ સૂત્રને સાર્થક કર્યું છે. આ યોજનાથી ગીર પંથક વધુ હરિયાળો અને આત્મનિર્ભર બનશે.”
આ યોજનાની મંજૂરી મળતા જ ગીર વિસ્તારના ખેડૂત અગ્રણીઓ અને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લાંબા સમયની માગણી સંતોષવા બદલ જિલ્લા સંગઠનનો આભાર માની રહ્યા છે.




