GUJARAT

ડાંગ દરબાર દરમિયાન PSI એસ.બી.ટંડેલના ગેરવર્તનના નિર્દોષ સ્ટોલ ધારકોના આક્ષેપ,વેપારીઓમાં આક્રોશ; નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી…

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે હાલ આદિવાસી સમાજના ગૌરવ અને ઐતિહાસિક ઓળખ સમાન લોકઉત્સવ ડાંગ દરબાર ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે.હોળી પર્વની ઉજવણી પૂર્વે યોજાતો આ મેળો આદિવાસી સમાજ માટે વર્ષનો સૌથી મહત્વનો અને આનંદમય ઉત્સવ ગણાય છે. જિલ્લામાંથી તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે મેળાની મજા માણવા ઉમટી રહ્યા છે.પરંતુ આનંદ અને ઉત્સાહના આ માહોલ વચ્ચે શનિવાર રાત્રે મેળા દરમિયાન ફરજ બજાવતા પી.એસ.આઈ. એસ.બી. ટંડેલના વર્તન અંગે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ તેમણે વરિષ્ઠ નાગરિકો, સ્ટોલ ધારકો અને રાઈડ સંચાલકો સાથે ગેરવર્તન કરી મનફાવે તેવી ભાષામાં ગાળાગાળી કરી હોવાના આરોપો ઉઠ્યા છે.તેમજ નિર્દોષ નાગરિકોને બિનજરૂરી રીતે રોકી હેરાનગતિ કરવામાં આવી હોવાની ચર્ચાઓએ સ્થાનિકોમાં અસંતોષ ફેલાવ્યો છે.ઘટનાની ગંભીરતા એટલી વધી કે મામલો વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ સુધી પહોંચ્યો હતો.જાણકાર સૂત્રો મુજબ સાંસદે વચ્ચે પડી મામલો શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી સંભાળતા અધિકારી એસ.બી.ટંડેલ દ્વારા જો આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું હોય તો તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાય. મેળા જેવી જાહેર અને સાંસ્કૃતિક ઉજવણી દરમિયાન પોલીસ તંત્રનું સંવેદનશીલ અને સહયોગી વલણ અનિવાર્ય છે.હાલ ઘટનાના ભોગ બનેલા નાગરિકો અને વડીલો દ્વારા રાજ્યના ગૃહમંત્રી સમક્ષ લેખિત ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જો ઉચ્ચસ્તરે નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં નહીં આવે અને તોછડુ વર્તન કરનાર મહિલા પી.એસ.આઈ.એસ.બી.ટંડેલની અન્ય જિલ્લામાં બદલી ન કરાય તો આવનાર દિવસોમાં મામલો વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.ડાંગ દરબાર જેવા ગૌરવપૂર્ણ લોકઉત્સવ દરમિયાન જનતાને સુરક્ષા અને સહયોગ મળવો જોઈએ, હેરાનગતિ નહીં તેવી સ્પષ્ટ માંગ સાથે પી.એસ.આઈ. એસ.બી. ટંડેલ વિરુદ્ધ તાત્કાલિક અને પારદર્શક તથા કાયદેસરની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે..

Back to top button
error: Content is protected !!