INTERNATIONAL

ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખામેનેઈ, તેમની દીકરી, જમાઈ અને પૌત્ર સહીત ડઝનબંધ વરિષ્ઠ ઈરાની અધિકારીઓના મોત

મધ્ય પૂર્વના ઈતિહાસમાં કદાચ સૌથી મોટો વળાંક કહી શકાય તેવી ઘટના સામે આવી છે. ઈઝરાયેલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ઈરાનની રાજધાની તેહરાન અને તેના વ્યૂહાત્મક ઠેકાણાઓ પર ભીષણ હવાઈ હુમલા કર્યા છે. આ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા (Supreme Leader) અયાતુલ્લા અલી ખામેનેઈ, તેમની પુત્રી, પૌત્ર અને જમાઈ સહિત પરિવારના અનેક સભ્યોના મોત થયા હોવાના અહેવાલોથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે.

શનિવારે મોડી રાત્રે શરૂ થયેલા આ ઓપરેશનમાં અમેરિકી અને ઈઝરાયેલી વાયુસેનાએ તેહરાન સ્થિત ખામેનેઈના નિવાસસ્થાન અને ‘રિવોલ્યુશનરી ગાર્ડ્સ’ (IRGC) ના મુખ્યાલયોને નિશાન બનાવ્યા હતા. સેટેલાઇટ તસવીરોમાં ખામેનેઈના ઘર અને આસપાસના સુરક્ષિત પરિસરોને ભારે નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે.

ઈરાની સરકારી મીડિયા અને ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર, આ હુમલામાં 86 વર્ષીય ખામેનેઈ, તેમની  પુત્રી અને પૌત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ ઉપરાંત, તેમના જમાઈ અને પુત્રવધૂ પણ આ હુમલાનો શિકાર બન્યા હોવાની પુષ્ટિ મળી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટમાં દાવો કર્યો છે કે અયાતુલ્લા ખામેનેઈ પોતે પણ આ હુમલામાં માર્યા ગયા છે. ટ્રમ્પે ખામેનેઈને ઈતિહાસના સૌથી ક્રૂર વ્યક્તિઓમાંથી એક ગણાવતા કહ્યું કે, “આ ઈરાની લોકો માટે તેમના દેશ પર ફરીથી નિયંત્રણ મેળવવાની સૌથી મોટી તક છે.”

બીજી તરફ, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ટેલિવિઝન સંબોધનમાં જણાવ્યું કે, “ખામેનેઈનું ઠેકાણું સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું છે અને એવા પાકા સંકેતો મળી રહ્યા છે કે તેઓ હવે જીવિત નથી.” રોયટર્સના એક અનામી ઈઝરાયેલી અધિકારીએ તો ત્યાં સુધી દાવો કર્યો છે કે મલબામાંથી ખામેનેઈનો મૃતદેહ મળી આવ્યો છે.

ઈરાનના ટોચના સૈન્ય અધિકારીઓનો સફાયો

માત્ર ખામેનેઈ જ નહીં, પરંતુ ઈરાનની સત્તા અને સુરક્ષા વ્યવસ્થાના સ્તંભ ગણાતા અનેક દિગ્ગજો આ હુમલામાં માર્યા ગયા હોવાના અહેવાલ છે:

અલી લારીજાની: ખામેનેઈના પ્રતિનિધિ અને દેશના મહત્વના વહીવટકર્તા.

અલી શામખાની: ખામેનેઈના એક દાયકા જૂના સુરક્ષા સહયોગી.

જનરલ મોહમ્મદ પાકપુર: ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) ના વડા.

ઈસ્માઈલ કાની: કુદ્સ ફોર્સના કમાન્ડર (જેમણે કાસિમ સુલેમાની પછી કમાન સંભાળી હતી).

અબ્દુલ રહીમ મૌસાવી: ઈરાની સેના પ્રમુખ.

આમિર નાસિરઝાદેહ: સંરક્ષણ મંત્રી.

આ ઉપરાંત, ઈરાનના બે ટોચના પરમાણુ વૈજ્ઞાનિકોના મોતની પણ આશંકા સેવાઈ રહી છે.

તેહરાને આ તમામ અહેવાલોને નકારી કાઢ્યા છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીના જણાવ્યા અનુસાર, ખામેનેઈ અને રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સુરક્ષિત છે. ઈરાની મીડિયા આ અહેવાલોને પશ્ચિમી દેશોનું ‘સાયકોલોજિકલ વોરફેર’ (માનસિક યુદ્ધ) ગણાવી રહ્યું છે. ખામેનેઈના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક ધાર્મિક સંદેશ પણ પોસ્ટ કરવામાં આવ્યો છે, જેને તેઓ જીવિત હોવાના પુરાવા તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે.

જોકે, હુમલા બાદ ખામેનેઈ જાહેરમાં ક્યાંય દેખાયા નથી, જેના કારણે શંકાઓ વધુ ઘેરી બની છે.

રિપોર્ટ્સ મુજબ, આ હુમલા પાછળનું મુખ્ય કારણ પરમાણુ મંત્રણામાં નિષ્ફળતા છે. અમેરિકાએ ઈરાનને કાયમી ધોરણે મફત પરમાણુ બળતણ આપવાની ઓફર કરી હતી, પરંતુ ઈરાન યુરેનિયમ સંવર્ધન કરવાની પોતાની ક્ષમતા પર અડગ રહ્યું. અમેરિકા અને ઈઝરાયેલ તેને પરમાણુ હથિયાર બનાવવાની કોશિશ માને છે. સાથે જ, ઈરાન દ્વારા સમર્થિત આતંકી જૂથો અને બેલેસ્ટિક મિસાઈલના મુદ્દે વાતચીત કરવાનો ઈરાને ઈનકાર કરી દીધો હતો.

આ હુમલા બાદ સમગ્ર મધ્ય પૂર્વમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે:

તેલ સપ્લાય: ઈરાને ‘હોર્મુઝની સામુદ્રધુની’ (Strait of Hormuz) બંધ કરી દીધી છે, જેના કારણે વૈશ્વિક તેલ પુરવઠો ખોરવાવાની અને કિંમતો વધવાની ભીતિ છે.

હવાઈ માર્ગ: ભારતની એર ઈન્ડિયા અને ઈન્ડિગો જેવી એરલાઈન્સે તેમના રૂટ બદલવા પડ્યા છે.

આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા: રશિયા અને ચીને આ હુમલાની નિંદા કરી છે, જ્યારે યુરોપિયન દેશોએ તાકીદની બેઠક બોલાવી છે.

જો ખામેનેઈના મોતના સમાચાર સત્તાવાર રીતે સાબિત થાય છે, તો આ ઈરાની ઈસ્લામિક ગણતંત્રના અંતની શરૂઆત હોઈ શકે છે. ઈરાનના પૂર્વ શાહના પુત્ર રઝા પહેલવીએ પણ આ ઘટનાને ઈરાની લોકો માટે નવી આઝાદીની તક ગણાવી છે. હાલમાં તેહરાનમાં સરકારી મીડિયા ‘રેડ ક્રેસન્ટ’ મુજબ 200થી વધુ લોકોના મોત થયા છે અને સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ છે.

આયતુલ્લા અલીરેઝા અરાફીને વચગાળા નેતૃત્વ પરિષદમાં વિધિ વિશેષજ્ઞ સદસ્ય (jurist member)ના રૂપે નિયુક્ત કરવામાં આવ્યા છે, આ પરિષદ સંકટ કાળ દરમિયાન સુપ્રીમ લીડરના તમામ કામ સંભાળશે. જ્યાં સુધી ઈરાનના બંધારણ મુજબ નવા નેતાની નિમણૂક ન થાય.

ઈરાનના બંધારણ મુજબ કામચલાઉ નેતૃત્વ પરિષદમાં રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન, મુખ્ય ન્યાયાધીશ ગુલામ-હુસેન મોહસેની-એજેઈ અને ગાર્ડિયન કાઉન્સિલના એક મૌલવી(આયતુલ્લા અલીરેઝા અરાફી) સામેલ છે. ખામેનેઈના મોત બાદ આ પરિષદ સંયુક્ત રીતે દેશની કમાન સંભાળી રહી છે.

Back to top button
error: Content is protected !!