TANKARA:ટંકારામાં ભવ્ય ‘ભગોરીયા મેળો’ અને આદિવાસી સ્નેહ મિલન સમારોહ યોજાયો




TANKARA:ટંકારામાં ભવ્ય ‘ભગોરીયા મેળો’ અને આદિવાસી સ્નેહ મિલન સમારોહ યોજાયો


ટંકારા: બામસેફ (BAMCEF) ના સંસ્થાપક અને માન્યવર કાંશીરામ સાહેબના પ્રેરણાસ્ત્રોત એવા દિના ભાના વાલ્મીકિની 99મી જન્મજયંતિ નિમિત્તે સૌરાષ્ટ્રના આંગણે ઇતિહાસમાં પ્રથમવાર ભવ્ય ‘ભગોરીયા મેળો’ અને આદિવાસી સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ઉજવાતા આ પરંપરાગત મેળાને સૌરાષ્ટ્ર પંથકમાં મળેલા પ્રતિસાદથી ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
કાર્યક્રમમાં પાલણપીર મેડીના મહંત દેશા આપાએ ખાસ ઉપસ્થિત રહી આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ અને સંગઠનની તાકાત વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સમાજે પોતાની ઓળખ અને અધિકારો માટે સંગઠિત થવું અનિવાર્ય છે.

બહુજન કર્મશીલ નાગજીભાઈ ચૌહાણે ખેતમજૂરોની પડતર માંગણીઓ અને નવી રોજગારીની તકો અંગે વાત કરી હતી. તેમણે મજૂર પરિવારોને કાયમી વસવાટ અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જાગૃત કર્યા હતા.
સમિતિના મુખ્ય કન્વીનર એડવોકેટ મનસુખભાઈ ચૌહાણે મુળનિવાસી સમાજને હાકલ કરતા જણાવ્યું હતું કે, “કોઈપણ અન્યાય સામે અવાજ બુલંદ રાખો અને જરૂર પડ્યે કોર્ટના દ્વાર ખટખટાવીને પણ ન્યાય મેળવો.”

આ પ્રસંગે ટંકારા પંથકના અનેક માનવતાવાદી ખેડૂતોએ એક મિસાલ કાયમ કરી હતી. ખેડૂતોએ સ્વેચ્છાએ પોતાના ખેતમજૂરોને ઉપજમાંથી ત્રીજો ભાગ આપવાની જાહેરાત કરી હતી, જેને મજૂર પરિવારોએ હર્ષોલ્લાસ સાથે વધાવી લીધી હતી. આ ઉપરાંત, આદિવાસી યુવાનોને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે વેદિક્સ ક્યોર, એસડી પે અને યશ બીઝ જેવી અનેક સ્વદેશી કંપનીઓના પદાધિકારીઓએ પણ હાજરી આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ગુજરાતભરથી ઉમટી પડેલા આદિવાસી યુવાઓએ સવારથી સાંજ સુધી પરંપરાગત દેશી ઢોલ અને ડીજેના તાલે નૃત્ય કરી મેળાનો આનંદ માણ્યો હતો. રંગબેરંગી વસ્ત્રો અને આદિવાસી સંસ્કૃતિના દર્શન સાથે આ કાર્યક્રમ સૌરાષ્ટ્રમાં એક નવી સામાજિક ક્રાંતિનો પાયો નાખતો જોવા મળ્યો હતો.



