GUJARATKUTCHMUNDRA

મુંદરાના રતાડીયા ગામે ‘સદગુરુ કુટિર’નો પ્રથમ વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર મુંદરા કચ્છ.

 

મુંદરાના રતાડીયા ગામે ‘સદગુરુ કુટિર’નો પ્રથમ વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો

 

રતાડીયા, તા. ૩: કચ્છ જિલ્લાના મુંદરા તાલુકાના રતાડીયા (ગણેશવાળા) ગામ ખાતે આવેલી ‘સદગુરુ કુટિર’માં બિરાજમાન ભગવાન શ્રી સીતારામજી, શ્રી શિવજી, શ્રી કૃષ્ણજી તેમજ સદગુરુદેવના નૂતન મંદિરનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ ફાગણ વદ એકમ (ધુળેટી) ને મંગળવાર, તા. ૩-૩-૨૦૨૬ના રોજ અત્યંત ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો.

ગયા વર્ષે યોજાયેલા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ આ વર્ષે પ્રથમ પાટોત્સવ નિમિત્તે સવારથી જ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે પ્રાતઃસ્મરણ, શાસ્ત્રોક્ત વિધિ સાથે મહાયજ્ઞ (હવન)નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ શુભ અવસરે આજુબાજુના વિસ્તારના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દર્શન તથા આહુતિનો લાભ લીધો હતો.

બપોરે તમામ ભક્તજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સદગુરુ કુટિર ખાતે સંધ્યા પાઠ, સત્સંગ તેમજ ભજન-રાસની રમઝટ જામી હતી જેમાં ભક્તોએ ભક્તિના રંગે રંગાઈને આનંદ માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શન રતાડીયા સદગુરુ કુટિરના માતાજી મૃદુલાદેવી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચ્છી લાલરામેશ્વર આશ્રમ (હરિદ્વાર)ના પરમ પૂજય ગુરુવર્ય સંતશ્રી હરિદાસજી મહારાજ (ગુરૂશ્રી વાલરામજી મહારાજ)એ આર્શીવાદ પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ મંદિરમાં ભગવાનની મૂર્તિઓની સાથે પરમ પૂજ્ય સંતશ્રી ઓધવરામજી મહારાજ તથા પરમ પૂજ્ય સંતશ્રી વાલરામજી મહારાજની પ્રતિમાઓ પણ સ્થાપિત છે જે શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની છે. પાટોત્સવને સફળ બનાવવા માટે ગામના યુવાનો અને વડીલોએ જહેમત ઉઠાવી હતી. દિવસભર ચાલેલા આ ધાર્મિક મહોત્સવથી સમગ્ર રતાડીયા ગામનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!