MORBI:મોરબીને ઝળહળતું કરવા મહાનગરપાલિકા એક્શન મોડમાં: નવા રૂટ પર સ્ટ્રીટ લાઈટની કામગીરી તેજ

મોરબી મહાનગરપાલિકાની ઈલેક્ટ્રિકલ શાખા દ્વારા મોરબી શહેરને લાઈટોથી પ્રકાશિત બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર સ્ટ્રીટ લાઈટ સાથે નવા પોલ સ્થાપિત કરવાની કામગીરી હાલ પ્રગતિમાં છે.
આ કામગીરી અંતર્ગત શનાળા થી ઘુનડા રોડ પર સ્ટ્રીટ લાઈટ સાથે પોલ સ્થાપિત કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હાલમાં મહેન્દ્રનગર થી પીપળી રોડ સુધી મહાનગરપાલિકા હદ વિસ્તાર સુધી તથા શનાળા સર્કલ થી રાજપર રોડ મહાનગરપાલિકા હદ સુધી સ્ટ્રીટ લાઈટ સાથે પોલ નાખવાની કામગીરી ચાલુ છે. આ કામ ટૂંક સમયમાં પૂર્ણ કરી શહેરને વધુ પ્રકાશિત બનાવવામાં આવશે, જેના કારણે મોરબી શહેરની જનતાની સુખાકારીમાં વધારો થશે.
આ બન્ને માર્ગોની કામગીરી પૂર્ણ થયા બાદ શહેરના અન્ય જરૂરી માર્ગો પર પણ આવશ્યકતા મુજબ નવા પોલ સ્થાપિત કરી સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવશે..
ઉપરાંત, મોરબી મહાનગરપાલિકા ઈલેક્ટ્રિકલ શાખા દ્વારા મણી મંદિર તથા ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગ સ્થાપિત કરવા માટેની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. આ કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ કરી મોરબી શહેરને વધુ આકર્ષક અને પ્રકાશિત બનાવવામાં આવશે.
આગામી સમયમાં મોરબી શહેરમાં લાઈટોને લગતી તમામ સમસ્યાઓનું ઝડપી નિવારણ કરવામાં આવશે અને શહેરની લાઈટિંગ સંબંધિત તમામ જરૂરિયાતો પૂર્ણ થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવશે.









