સાબરકાંઠામાં વન અધિકાર અધિનિયમ હેઠળ ૩૨૨૬ પરિવારોના જમીનના દાવા મંજૂર: આદિજાતિઓને મળ્યો કાયદેસરનો હક

સાબરકાંઠામાં વન અધિકાર અધિનિયમ હેઠળ ૩૨૨૬ પરિવારોના જમીનના દાવા મંજૂર: આદિજાતિઓને મળ્યો કાયદેસરનો હક
*
ગુજરાત સરકારનો ‘વન અધિકાર અધિનિયમ-૨૦૦૬’ સાબરકાંઠાના આદિજાતિઓ માટે સાબિત થયો આશીર્વાદરૂપ
*
પેઢીઓથી ખેડતા શ્રમિકો હવે બન્યા જમીનના માલિકો: વીંછી ગામના મીરાભાઈ ગમારને મળ્યા ૧.૫ વીઘા જમીનના માલિકી હક
*
ગુજરાત સરકાર દ્વારા વન વિસ્તારોમાં પેઢીઓથી વસવાટ કરતા અને ખેતી કરતા અનુસૂચિત જનજાતિના લોકો માટે અમલમાં મુકાયેલો ‘વન અધિકાર અધિનિયમ-૨૦૦૬’ સામાજિક અને આર્થિક ઉત્થાન માટે પાયાનું પગલું બની રહ્યો છે. આ કાયદાના અસરકારક અમલના પરિણામે સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં અંદાજે ૩૨૨૬ જેટલા આદિજાતિ પરિવારોના જમીનના દાવાઓને મંજૂરી આપવામાં આવી છે. વર્ષોથી જમીન ખેડતા શ્રમિકોને હવે કાયદેસર રીતે તે જમીનના માલિકી હક મળી રહ્યા છે, જે આદિજાતિઓને સમાજની મુખ્યધારામાં લાવવા માટેનું એક મજબૂત માધ્યમ બન્યું છે.
આ અધિનિયમથી વ્યક્તિગત લાભ મેળવનાર પોશીના તાલુકાના વીંછી ગામના મીરાભાઈ માલાભાઈ ગમાર આ અંગે પોતાનો સંતોષ વ્યક્ત કરે છે. મીરાબાઈ ગમારે જણાવ્યું હતું કે, વન અધિકાર અધિનિયમ હેઠળ તેમને ૧.૫ વીઘા જમીનનો માલિકી હક મળ્યો છે. મહેનત અને અનિશ્ચિતતા બાદ હવે આ જમીન કાયદેસર રીતે હક મળતા તેઓ અત્યારે તેમાં વાવેતર કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમણે વન અધિકાર અધિનિયમ હેઠળ જમીનનો હક આપવા બદલ ગુજરાત સરકારશ્રીનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કર્યો હતો.
સાબરકાંઠા જિલ્લામાં વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ હેઠળ આદિજાતિઓના હિતમાં ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. આ કાયદાના અસરકારક અમલીકરણને પરિણામે જિલ્લાના ૩૨૨૬ જેટલા દાવેદારોને વન જમીનના માલિકી હક પત્રો એનાયત કરવામાં આવ્યા છે. સરકારનો મુખ્ય અભિગમ એ રહ્યો છે કે વર્ષોથી વન વિસ્તારમાં રહીને જમીન ખેડતા અનુસૂચિત જનજાતિના લોકો અને અન્ય પરંપરાગત આદિજાતિઓને તેમના ખેડાણ તેમજ રહેઠાણ માટે હક્ક મળી રહે, જેથી તેઓ કોઈપણ ભય વગર ગૌરવભેર પોતાનું જીવન વિતાવી શકે. આ કાયદો આદિજાતિઓના જીવનમાં સ્થિરતા લાવી રહ્યો છે.
જયંતિ પરમાર સાબરકાંઠા



