ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા, દાહોદ બોટાદ બાદ કચ્છના ભચાઉમાં 3.4ની તીવ્રતાનો આંચકો આવ્યો

ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ દાહોદ બોટાદ બાદ કચ્છના ભચાઉમાં પણ ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભય ફેલાયો હતો. ગુજરાતના સરહદી કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપની હલચલ અનુભવાઈ છે. ભચાઉ નજીક આવેલા વિસ્તારમાં 05/03/2026 ના રોજ બપોરે લગભગ 1 વાગીને 43 મિનિટે ધરતી ધ્રુજી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.4 નોંધાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉથી અંદાજે 12 કિલોમીટર દૂર નોંધાયું હતું. અચાનક ધરતી ધ્રુજતા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં થોડો સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો, જોકે કોઈ જાનહાનિ કે મોટી નુકસાનની માહિતી સામે આવી નથી.
કચ્છ જિલ્લો ભૂકંપ સંવેદનશીલ વિસ્તાર તરીકે ઓળખાય છે અને અહીં સમયાંતરે હળવા થી મધ્યમ તીવ્રતાના આંચકા અનુભવાતા રહે છે. ખાસ કરીને વાગડ ફોલ્ટલાઇન વિસ્તારમાં સતત ભૂકંપીય પ્રવૃત્તિ જોવા મળે છે. વર્ષો પહેલા આવેલા વિનાશકારી ભૂકંપને અઢી દાયકાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં કચ્છની ધરા હજુ પણ સંપૂર્ણ રીતે શાંત થઈ નથી અને સમયાંતરે આવા આંચકાઓનો અનુભવ થતો રહે છે.
ઉલ્લેખનીય છે કે આજે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ભૂકંપની ઘટનાઓ નોંધાઈ છે. સવારે લગભગ 11 વાગીને 55 મિનિટે દાહોદ જિલ્લામાં 2.5ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. ત્યારબાદ બપોરે લગભગ 3 વાગીને 8 મિનિટે બોટાદ જિલ્લામાં પણ 3.4ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. એક જ દિવસે રાજ્યના વિવિધ વિસ્તારોમાં આંચકા નોંધાતા લોકોમાં થોડો ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.






