
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
ટાટ પરીક્ષાની તારીખમાં ફેરફાર : કચ્છના ઉમેદવારોમાં રોષ, સ્થાનિક કેન્દ્ર ફાળવવા ઉઠી માંગ
મુંદરા, તા. 5: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજાનારી ‘શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક)-૨૦૨૬’ ની પ્રાથમિક પરીક્ષાની તારીખમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરવામાં આવતા ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અગાઉ ૨૯ માર્ચના રોજ યોજાનાર આ પરીક્ષા હવે ૧૨ એપ્રિલના રોજ લેવામાં આવશે. પરીક્ષાની તારીખ લંબાતા અને ખાસ કરીને કચ્છ જેવા સરહદી જિલ્લાના ઉમેદવારો માટે પરીક્ષા કેન્દ્રો દૂર ફાળવવામાં આવતા વિદ્યાર્થીઓ પર આર્થિક અને માનસિક બોજ વધ્યો છે. કચ્છથી ૪૦૦ કિલોમીટર દૂર અમદાવાદ જેવા શહેરોમાં પરીક્ષા આપવા જવું પડતું હોવાથી ઉમેદવારોએ ૨૦ દિવસ અગાઉથી રજાઓ, મુસાફરી અને રહેવાની વ્યવસ્થા કરવી પડે છે જેમાં બોર્ડના અચાનક નિર્ણયોથી મહેનત અને નાણાંનો વ્યય થાય છે.
કચ્છના શિક્ષક ઉમેદવારોએ ઉગ્ર માંગ કરી છે કે દર વખતે લાંબી મુસાફરી અને મોંઘવારીનો માર સહન કરવાને બદલે કચ્છના દુર્ગમ અને છેવાડાના વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે સ્થાનિક કક્ષાએ જ પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવે. હાલમાં રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગનો કાર્યભાર કચ્છના જ ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સંભાળી રહ્યા છે ત્યારે કચ્છના હજારો યુવાનોને આશા છે કે આ વખતે સરકાર સંવેદનશીલતા દાખવીને કચ્છમાં જ ટેટ અને ટાટ જેવી મહત્વની પરીક્ષાઓ માટેના કેન્દ્રો મંજૂર કરશે. જો સ્થાનિક કેન્દ્ર ફાળવવામાં આવે તો જ આર્થિક રીતે નબળા અને અંતરિયાળ વિસ્તારના તેજસ્વી ઉમેદવારો ન્યાય મળશે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




