
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરામાં સનાતન હિંદુ પરિવારોનું ભવ્ય સમરસતા સંમેલન સંપન્ન : ૧૪ સોસાયટીઓના હજારો પરિવારોએ ભેદભાવ ભૂલી એકતા અને રાષ્ટ્રભક્તિના દર્શન કરાવ્યા
મુંદરા, તા. 6:
તાજેતરમાં મુંદરા મધ્યે સનાતન હિંદુ પરિવારો દ્વારા એક અભૂતપૂર્વ ‘સમરસતા સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. કોઈપણ જ્ઞાતિ-જાતિ, પક્ષ કે પ્રાંતના વળગણથી મુક્ત એવા આ સંમેલનમાં અંદાજે ૧૪ જેટલી સોસાયટીના પરિવારોએ સ્વયંભૂ રીતે જોડાઈને હિંદુ સમાજની એકતાનો મજબૂત સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમની વિશેષતા એ રહી હતી કે તમામ પરિવારોએ ‘આ કાર્ય મારું છે’ તેવા ભાવ સાથે તન, મન અને ધનથી સહયોગ આપીને તેને સફળ બનાવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે સવારે ૪૫૦ જેટલી બહેનોએ પરંપરાગત વસ્ત્ર-પરિધાનમાં સજ્જ થઈને ભવ્ય કલશ યાત્રા યોજી હતી. નગરના મુખ્ય બારોઈ રોડ પરથી પસાર થઈ આ યાત્રા કાર્યક્રમ સ્થળે પહોંચી હતી. આ અવસરે ઋષિરાજ વિદ્યા નિકેતન અને સરસ્વતી શિશુ મંદિરના વિદ્યાર્થીઓ તેમજ સોસાયટીના બાળકો દ્વારા રાષ્ટ્રભક્તિ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. બહેનો દ્વારા કરવામાં આવેલું કલાત્મક સુશોભન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
રતાડિયા (ગણેશવાલા)થી પધારેલા સાધ્વીજી શ્રી મૃદુલાબા (બાબા)ના સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ૧૫૦૦થી વધુ શ્રોતાઓએ હાજરી આપી હતી. વક્તાઓ સર્વશ્રી જીતુભા જાડેજા (પૂર્વ કચ્છ ધર્મ જાગરણ સંયોજક), ડૉ. મંથન ફફલ, આરતીબેન શર્મા અને મયંક તિવારીએ ‘પંચ પરિવર્તન’ દ્વારા રાષ્ટ્ર નિર્માણ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાંતવાદ, ભાષાવાદ અને ઊંચ-નીચના ભેદભાવ ભૂલી સમગ્ર હિંદુ સમાજ એક પાથરણે બેસી શકે અને એક પંગતમાં જમી શકે તેવી સમરસતા સ્થાપિત કરવાનો હતો.
સમાજના ખમતીધર શ્રેષ્ઠીઓએ કોઈપણ પ્રકારના વ્યક્તિગત સન્માનની અપેક્ષા રાખ્યા વગર આ સેવાયજ્ઞમાં પોતાનો સહયોગ આપ્યો હતો. સંમેલન સમિતિના મુખ્ય જવાબદાર પ્રમુખ શ્રી માવજીબાપા ઘોળૂ, ઉપપ્રમુખ શ્રી દીપકભાઈ ડી. ઠક્કર, મંત્રી શ્રી રામધારીજી, કાલીકા આહીર, ભરત પટેલ, મોહનકાકા નાકરાણી, રાજુભાઈ પોમલ, અજય ચુડાસમા, ડૉ. નિલેશ પટેલ, હિમાલય જોષી, મંગલેશ પટેલ, જીમ્મીભાઈ દોશી, કપિલભાઈ, રમેશભાઈ ગઢવી અને બીજુ પુષ્કરણા સહિતના કાર્યકરોએ દિવસ-રાત ભારે જહેમત ઉઠાવી આ સંમેલનને યાદગાર બનાવ્યું હતું.







વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



