GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં આધુનિક શહેરી વિકાસને નવી દિશા : રિલીફ રોડના સર્વાંગી વિકાસ અને બ્યુટીફીકેશન માટે રૂ.૬.૬૮ કરોડનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ

MORBI:મોરબીમાં આધુનિક શહેરી વિકાસને નવી દિશા : રિલીફ રોડના સર્વાંગી વિકાસ અને બ્યુટીફીકેશન માટે રૂ.૬.૬૮ કરોડનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ

 

મોરબી શહેરને આધુનિક, સુવ્યવસ્થિત અને નાગરિકમિત્ર શહેરી માળખું પ્રદાન કરવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા રિલીફ રોડના સર્વાંગી વિકાસ અને બ્યુટીફીકેશન માટે એક મહત્વાકાંક્ષી શહેરી વિકાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. શહેરના મુખ્ય માર્ગોમાં ગણાતા રિલીફ રોડને આધુનિક અર્બન ડિઝાઇનના ધોરણો અનુસાર વિકસાવી તેને માત્ર વાહનવ્યવહાર માટેનો માર્ગ ન રાખી એક લોકકેન્દ્રિત, હરિયાળું અને જીવંત શહેરી જાહેર સ્થાન (Urban Public Space) તરીકે વિકસાવવાનો આયોજન કરવામાં આવ્યું છે.

આશરે 850 મીટર લંબાઈ અને 22 મીટર પહોળાઈ ધરાવતા આ મુખ્ય માર્ગના વિકાસ માટે અંદાજે રૂ. 6.68 કરોડના ખર્ચે આધુનિકીકરણ તથા સૌંદર્યવર્ધન કરવામાં આવશે. આ પ્રોજેક્ટ દ્વારા શહેરના શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ઓળખ મળશે તેમજ નાગરિકોને વધુ સુવિધાસભર અને આકર્ષક જાહેર સ્થળો ઉપલબ્ધ થશે.

પ્રોજેક્ટની અનોખી વિશેષતા રૂપે માર્ગના મધ્યભાગમાં આશરે 10 મીટર પહોળો ડિઝાઇન કરાયેલ મિડિયન સ્પેસ વિકસાવવામાં આવશે. આ મિડિયન માત્ર ટ્રાફિક વિભાજન પૂરતું મર્યાદિત ન રહી એક બહુપયોગી અર્બન સ્પેસ તરીકે વિકસાવવામાં આવશે, જેમાં પોકેટ ગાર્ડન, પાર્કિંગ સુવિધા તેમજ વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ફેસ્ટિવ એરિયા વિકસાવવામાં આવશે. જેના પરિણામે આ વિસ્તાર શહેરના નાગરિકો માટે એક આકર્ષક મિલનસ્થળ તરીકે પણ વિકસિત થશે.

આ ઉપરાંત પ્રોજેક્ટ અંતર્ગત માર્ગની બંને બાજુ વિશાળ અને સુવિધાસભર ફૂટપાથ, પેવર બ્લોક ફ્લોરિંગ, પ્રીકાસ્ટ કર્બ સ્ટોન, સુવ્યવસ્થિત વૃક્ષારોપણ, ડેકોરેટિવ સ્ટ્રીટ લાઈટિંગ, આધુનિક બેઠક વ્યવસ્થા (સીટિંગ એરિયા), ડસ્ટબિન, દિશાસૂચક સાઇનેજ તથા ઝેબ્રા ક્રોસિંગ જેવી આધુનિક શહેરી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. સાથે સાથે વાહન પાર્કિંગ માટે સુવ્યવસ્થિત જગ્યાઓ તથા નાગરિકોને આરામદાયક જાહેર સ્થળો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ વિકાસકાર્ય પૂર્ણ થતાં રિલીફ રોડ માત્ર ટ્રાફિક માટેનો માર્ગ ન રહી નાગરિકમિત્ર, સલામત અને આકર્ષક અર્બન કોરિડોર તરીકે વિકસિત થશે. પગપાળા ચાલનારાઓ માટે સલામત માર્ગ, રાત્રિ દરમિયાન ઉત્તમ પ્રકાશ વ્યવસ્થા, હરિયાળીનો વધારો તથા શહેરના શહેરી સૌંદર્યમાં નોંધપાત્ર વધારો થશે.

રિલીફ રોડનું આ બ્યુટીફીકેશન પ્રોજેક્ટ મોરબી શહેરના આધુનિક અને સ્થિર શહેરી વિકાસ તરફનું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે અને નાગરિકો તેમજ મુલાકાતીઓ માટે વધુ સુવિધાસભર, સ્વચ્છ, હરિયાળું અને આકર્ષક શહેરી પર્યાવરણ સર્જશે, તેમ સીવીલ & સીટી બ્યુટીફીકેશન શાખા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!