MORBI:મોરબીના આદરણા ગામે સરકારી શાળામાં શિક્ષક દારૂ પીતા પકડાયા, બેગમાંથી વ્હિસ્કીની બોટલ મળી.

MORBI:મોરબીના આદરણા ગામે સરકારી શાળામાં શિક્ષક દારૂ પીતા પકડાયા, બેગમાંથી વ્હિસ્કીની બોટલ મળી.
Box – મોરબી જેમને આપણે ‘ગુરુ’ કહીએ છીએ અને જેમના હાથમાં દેશનું ભવિષ્ય સોંપીએ છીએ, તેવા એક સરકારી શિક્ષકે શિક્ષણ જગતને હચમચાવી નાખે તેવું શર્મજનક કૃત્ય કર્યું છે. મોરબીના આંદરણા ગામે જે સરસ્વતીના ધામમાં બાળકો સંસ્કાર લેવા જાય છે, ત્યાં જ એક શિક્ષકે દારૂની બોટલ ખોલીને પવિત્રતાના લીરેલીરા ઉડાડ્યા છે.
Box – શું સરકારી તંત્ર દ્વારા શિક્ષકોની માનસિકતા કે શિસ્તની કોઈ તપાસ થતી નથી? ચાલુ ક્લાસમાં દારૂ પીવાની હિંમત ક્યાંથી આવે છે? ગુરુજી કે નશાખોર? આંદરણા ગામે ચાલુ ક્લાસમાં દારૂ પીતા શિક્ષકનો કરતૂત, પોલીસ બોલાવતા શિક્ષક ફરાર.
મોરબી: મોરબી તાલુકાના આંદરણા ગામની સરકારી પ્રાથમિક શાળામાં એક અત્યંત શર્મજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પવિત્ર ગણાતા શિક્ષણના ધામમાં એક સરકારી શિક્ષક વિદ્યાર્થીઓની હાજરીમાં જ દારૂ પીતા ઝડપાયા છે. આ મામલે ગામના જાગૃત નાગરિકની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધી ફરાર શિક્ષકની શોધખોળ હાથ ધરી છે.
ગઈકાલ તારીખ 6 માર્ચના રોજ આંદરણા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક રાજુભાઈ ખીમજીભાઈ પરમાર (રહે. ચરાડવા, મૂળ રહે. બજાણા) ચાલુ ક્લાસમાં બાળકોની નજર સામે જ કેફી પ્રવાહી પીતા હોવાની માહિતી મળી હતી. સમાજસેવક નીતેશભાઈ ચાવડા તાત્કાલિક શાળાએ પહોંચતા શિક્ષક નશાની હાલતમાં જણાયા હતા અને વિદ્યાર્થીઓ સાથે અભદ્ર વર્તન કરી રહ્યા હતા. નિવૃત આર્મીમેન અનિલભાઈ સંઘાણીએ ‘112’ પર ફોન કરી પોલીસને જાણ કરી હતી. જોકે, પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ આરોપી શિક્ષક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસ તપાસ દરમિયાન શિક્ષકની બેગમાંથી વિદેશી દારૂની (રોયલ સ્ટગ વ્હિસ્કી) અડધી બોટલ મળી આવી હતી, જેને પોલીસે કબ્જે કરી છે.
Box-“વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડનારા શિક્ષક દ્વારા જ જો આવી હરકત કરવામાં આવે, તો સમાજમાં કેવો સંદેશ જશે? આ કિસ્સાએ સમગ્ર શિક્ષણ જગતને સ્તબ્ધ કરી દીધું છે.”હાલમાં મોરબી તાલુકા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને ફરાર શિક્ષકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Box – ગુરુ નહીં, પણ દૂષણ: આવા તત્વોને કારણે જ પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા બદનામ થાય છે. જે હાથમાં ચોક અને ડસ્ટર હોવા જોઈએ, ત્યાં દારૂની બોટલ પકડાય એ લોકશાહી માટે શરમજનક છે.










