કાલોલના સુરેલીમાં કોર્ટ કેસની અદાવતે કુટુંબીઓ વચ્ચે હિંસક અથડામણ:મહિલા સહિત બેને ઈજા.

તારીખ ૦૭/૦૩/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના સુરેલી ગામમાં કોર્ટ કેસની અદાવત રાખીને એક જ કુટુંબના સભ્યો વચ્ચે છૂટાહાથની મારામારી થતા ચકચાર મચી જવા પામી છે. સહિયારી દીવાલના વિવાદમાં ઉશ્કેરાયેલા પાંચ શખ્સોએ લાકડીઓ અને ઇંટો વડે હુમલો કરી બે વ્યક્તિઓને ઈજાગ્રસ્ત કર્યા હતા, જે મામલે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.પ્રાપ્ત વિગતો અનુસાર, સુરેલી ગામના રહેવાસી ચંદુભાઈ ખાતુભાઈ ચૌહાણ અને તેમના કુટુંબી મણિભાઈ વાલાભાઈ વચ્ચે સહિયારી દીવાલ બાબતે વિવાદ ચાલી રહ્યો છે જે બાબતે ફરિયાદી એ કોર્ટ કેસ કરેલ છે.આ અદાવત રાખીને મણિભાઈ વાલાભાઈ, તેમના પત્ની સવિતાબેન તથા તેમના ત્રણ પુત્રો હર્ષદ, રાહુલ અને સંજયે એકસંપ થઈને ગંદી ગાળો બોલી ફરિયાદીના પરિવાર પર હુમલો કર્યો હતો.તોડફોડ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલા દરમિયાન આરોપીઓએ લાકડીઓ અને ગડદાપાટુનો માર માર્યો હતો. આટલેથી ન અટકતા, આરોપી સંજયે છૂટી ઇંટો મારી હતી અને લોખંડની નરાશ વડે ચંદુભાઈના ઘરના વીજ મીટરનું લોક તોડી નુકસાન પહોંચાડ્યું હતું. જ્યારે હર્ષદે શખ્સે મોટરસાયકલ પર લાકડીઓ ફટકારી તોડફોડ કરી હતી અને પરિવારને હવે પછી કોર્ટ કેસ કરશો તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.આ હિંસક હુમલામાં ફરિયાદીના માતા ખાનીબેન અને ભાઈ ખુમાનભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.સમગ્ર મામલે ચંદુભાઈ ચૌહાણે વેજલપુર પોલીસ મથકે મણિભાઈ વાલાભાઈ ચૌહાણ સહિત પાંચેય આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.







