નવસારી મહાનગરપાલિકા દ્વારા જલાલપોરના આટ વિસ્તારમાં અત્યાધુનિક પાંજરાપોળનું નિર્માણ કાર્ય પૂરજોશમાં….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિચરતા(રખડતા) પશુઓના રક્ષણ અને સંભાળ માટે આશરે રૂ. ૭ કરોડના ખર્ચે અત્યાધુનિક પાંજરાપોળ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ જલાલપોર તાલુકાના આટ વિસ્તારમાં આવેલ ખંભલવ ગામ ખાતે વિકસાવવામાં આવી રહ્યો છે, જ્યાં કોઈને પણ અડચણરૂપ ન બને તે માટે યોગ્ય સ્થળની પસંદગી કરવામાં આવી છે. હાલમાં આ પ્રોજેક્ટની આશરે ૬૦% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.
લગભગ ૮૦૦ પશુઓની ક્ષમતા ધરાવતી આ પાંજરાપોળમાં પ્રાણીઓની તમામ મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સંકુલમાં મેડિકલ રૂમ, ફોડર સ્ટોરેજ (ઘાસચારો ભંડારણ), ક્વોરેન્ટાઈન વોર્ડ, ઓપન ગ્રેઝિંગ વિસ્તાર અને એનિમલ શેલ્ટર હોમ જેવી આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે, જેથી પશુઓને તમામ પ્રકારની તબિયતી અને રહેઠાણ સુવિધાઓ મળી શકે. નવસારી મહાનગરપાલિકાના આ પ્રયાસથી શહેરના વિચરતા પશુઓના રક્ષણ અને સંભાળની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. આ પાંજરાપોળ બિનઆશ્રિત પશુઓને સુરક્ષિત આશ્રયસ્થાન પૂરું પાડશે અને શહેરના વાહનવ્યવહારમાં પણ સરળતા રહેશે. બાકીની ૪૦% કામગીરી ઝડપભેર ચાલી રહી છે અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. નવસારી મહાનગરપાલિકા પશુ કલ્યાણ અને શહેરી વિકાસને પ્રાથમિકતા આપતા આવા જનહિતકારી પ્રોજેક્ટ્સને સતત આગળ ધપાવી રહી છે.





