જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ વાવ- થરાદમાં UPSC સેમિનાર યોજાયો: બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ માર્ગદર્શન મેળવ્યું

8 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જિલ્લા કલેક્ટર શ્રી જે.એસ.પ્રજાપતિનો વિદ્યાર્થીઓને મંત્ર: ઊંચા લક્ષ્યાંક અને મક્કમ સંકલ્પશક્તિ જ સફળતાની ચાવી છે
વહીવટી તંત્રની પહેલ થકી કલેક્ટરશ્રી અને DDOશ્રીએ વિદ્યાર્થીઓને UPSC પરીક્ષા માટે આપ્યું સચોટ માર્ગદર્શન વાવ-થરાદ પંથકના વિદ્યાર્થીઓને દેશની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી સ્પર્ધાત્મક પરીક્ષા UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) માટે પ્રોત્સાહિત કરવા અને તેમને ઘર આંગણે જ યોગ્ય દિશા-સૂચન મળી રહે તેવા ઉમદા હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા “UPSC માર્ગદર્શન સેમિનાર”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં જિલ્લાના સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ હાજર રહી ભવિષ્યના ઘડતર માટે અમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.
આ સેમિનારમાં જિલ્લા કલેક્ટર શ્રી જે.એસ. પ્રજાપતિએ વિદ્યાર્થીઓને પ્રેરક સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોઈપણ સિદ્ધિ મેળવવા માટે સૌ પ્રથમ મનમાં ઊંચા લક્ષ્યાંકો નિર્ધારિત કરવા અનિવાર્ય છે. જો સતત મહેનત, અડગ સંકલ્પશક્તિ અને અતૂટ આત્મવિશ્વાસ સાથે તૈયારી કરવામાં આવે, તો UPSC જેવી અઘરી ગણાતી પરીક્ષાઓમાં પણ સફળતા ચોક્કસ પ્રાપ્ત કરી શકાય છે. કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન શિસ્તબદ્ધ અભ્યાસ, સમયનું સચોટ સંચાલન અને નકારાત્મકતાથી દૂર રહી સકારાત્મક અભિગમ સાથે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્તિક જીવાણીએ વિદ્યાર્થીઓને UPSC પરીક્ષાની ટેકનિકલ બાબતોથી માહિતગાર કર્યા હતા. તેમણે પરીક્ષાનું ત્રિ-સ્તરીય માળખું, પ્રારંભિક અને મુખ્ય પરીક્ષાની પદ્ધતિ તેમજ ઇન્ટરવ્યુના તબક્કાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે સિલેબસને સમજવાની કળા, યોગ્ય સંદર્ભ પુસ્તકોની પસંદગી અને નિયમિત પ્રેક્ટિસના મહત્વ પર ભાર મૂકી, પરીક્ષા પાસ કરવા માટેની સચોટ રણનીતિ સમજાવી હતી.આ સેમિનારના અંતિમ તબક્કામાં પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની મૂંઝવણો રજૂ કરી હતી. કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વિદ્યાર્થીઓના પ્રશ્નોના ખૂબ જ સરળ અને સંતોષકારક ઉત્તરો આપી તેમની મૂંઝવણો દૂર કરી હતી. આ સેમિનાર માટે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઉપસ્થિત સૌએ વહીવટી તંત્રની આ પહેલને બિરદાવી, ભવિષ્યમાં પણ આવા માર્ગદર્શન કાર્યક્રમો યોજાય તેવી આશા વ્યક્ત કરી હતી.









