
વાત્સલ્યમ્ સમાચારમાં
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
રાજ્યકક્ષાના હોમગાર્ડ તાલીમ કેમ્પમાં પશ્ચિમ કચ્છ જિલ્લાનો દબદબો: સાંસ્કૃતિક અને લાઇન લે-આઉટમાં પ્રથમ નંબરની ટ્રોફી મેળવી
મુંદરા, તા. 8: વડોદરાના વાઘોડિયા સ્થિત જરોદ ખાતેના ગુજરાત રાજ્ય હોમગાર્ડ સેન્ટ્રલ ટ્રેનિંગ સેન્ટર ખાતે તાજેતરમાં તારીખ ૨૩/૦૨/૨૦૨૬ થી ૦૬/૦૩/૨૦૨૬ દરમિયાન ૧૨ દિવસીય રાજ્યકક્ષાનો બેઝિક તાલીમ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં રાજ્યના તમામ જિલ્લાના હોમગાર્ડ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં પશ્ચિમ કચ્છ જિલ્લાના ભુજ, કેરા, મુંદરા, નખત્રાણા, નલિયા, દયાપર અને પાનધ્રો યુનિટના કુલ ૩૫ જવાનોએ સઘન તાલીમ મેળવી હતી.
૧૨ દિવસીય આ કેમ્પ દરમિયાન જવાનોને ફિઝિકલ ટ્રેનિંગ, યોગા, સ્કોડ ડ્રિલ, લાઠી ડ્રિલ, આર્મ્સ ડ્રિલ, .૩૦૩ વેપન ટ્રેનિંગ, ગાર્ડ સંત્રી, સિવિલ ડિફેન્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઓર્ગેનાઈઝેશન અને સેરેમોનિયલ પરેડ જેવી વિવિધ શિસ્તબદ્ધ તાલીમો આપવામાં આવી હતી. આ તાલીમ કેમ્પમાં પશ્ચિમ કચ્છ જિલ્લાના હોમગાર્ડ જવાનોએ પોતાનું કૌશલ્ય બતાવી મેદાન માર્યું હતું. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને ‘બેસ્ટ લાઇન લે-આઉટ’માં પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડને પ્રથમ નંબરની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
વ્યક્તિગત સિદ્ધિઓમાં ભુજ યુનિટના સિકંદર કુંભારને સમગ્ર રાજ્યમાં ‘બેસ્ટ કેડેટ’ તરીકે તૃતીય ક્રમ મેળવવા બદલ મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરાયું હતું. આ ઉપરાંત ભુજ યુનિટના જ કુલદીપસિંહ આર. પરમાર અને ભવ્યરાજ જી. રાઠોડને રાજ્યમાં ‘બેસ્ટ પરફોર્મન્સ’ બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જવાનોની આ ગૌરવશાળી સિદ્ધિ બદલ પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી મનિષ બારોટ સાહેબે તમામ વિજેતાઓને અને સહભાગી થયેલા જવાનોને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ પશ્ચિમ કચ્છ જિલ્લાનું નામ રોશન કરતા રહેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




