GUJARATKUTCHMUNDRA

માંડવીની લોહાણા કન્યા છાત્રાલયના ગૃહમાતા વિજયાબેન રાખશિયાનો ૩૦ વર્ષની સેવા બાદ ભાવભીનો વિદાય સમારોહ યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

માંડવીની લોહાણા કન્યા છાત્રાલયના ગૃહમાતા વિજયાબેન રાખશિયાનો ૩૦ વર્ષની સેવા બાદ ભાવભીનો વિદાય સમારોહ યોજાયો

 

માંડવી, તા. 9:

કચ્છ જિલ્લાના માંડવી ખાતે આવેલ શેઠ શ્રી પુરુષોત્તમ કાનજી પવાણી કન્યા છાત્રાલયમાં સતત ૩૦ વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપીને કૌટુંબિક કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા ગૃહમાતા વિજયાબેન રાખશિયાનો વિદાયમાન કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ શ્રીમતી દક્ષાબેન સચદેના અધ્યક્ષ સ્થાને અત્યંત ભાવસભર માહોલમાં યોજાયો હતો.

દીકરી જ્યારે પોતાના માતા-પિતા અને પરિવારને છોડીને હોસ્ટેલમાં આવે છે ત્યારે તેની સંભાળ માતાની જેમ રાખતા વિજયાબેને સાચા અર્થમાં ‘ગૃહમાતા’ પદની ગરિમા જાળવી છે. તેઓ માત્ર એક કર્મચારી નહીં પરંતુ માતૃત્વની મમતા, શિસ્તની મજબૂતી અને સંસ્કારોનો આધારસ્તંભ બનીને હોસ્ટેલની દીકરીઓના જીવન ઘડતરના પાયામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે.

કાર્યક્રમની શરૂઆત પવિત્ર પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ સંસ્થાના પ્રમુખ શ્રીમતી દક્ષાબેન સચદેના હસ્તે વિજયાબેનનું પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી સન્માન કરાયું હતું. આ પ્રસંગે જયાબેન ગણાત્રાના હસ્તે સન્માન પત્ર તેમજ શાંતિલાલભાઈ ગણાત્રા અને ચંદ્રકાંતભાઈ ચોથાણીના હસ્તે ગ્રેજ્યુઈટીનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

ચંદ્રકાંતભાઈ ચોથાણી અને શાંતિલાલભાઈ ગણાત્રાએ વિજયાબેનની નિઃસ્વાર્થ સેવાઓ અને સ્નેહની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે તેમની સેવાયાત્રા ભલે અહીં વિરામ લે છે પરંતુ તેમની યાદો અને સેવાઓ સંસ્થાના હૃદયમાં હંમેશાં અકબંધ રહેશે. વિદ્યાર્થીનીઓ વતી પ્રીતિ ધીરાવાણી તથા જીનલ મહેશ્વરીએ પોતાના અનુભવો વર્ણવતા વિજયાબેન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. વિદાય વેળાએ વિજયાબેને પણ અત્યંત ગદગદિત થઈ આભારની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ આ સંસ્થાના હંમેશા ઋણી રહેશે.

આ તકે સંસ્થાના ટ્રસ્ટી બીનાબેન સેજપાલ દ્વારા નવનિયુક્ત ગૃહમાતા લક્ષ્મીબેન વેદાંતનું પુષ્પગુચ્છ અને સાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે લક્ષ્મીબેન છેલ્લા છ મહિનાથી ખૂબ જ સારી રીતે ગૃહમાતા તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. આ સાથે હોસ્ટેલમાં અભ્યાસ કરતી દીકરીઓના સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક ભોજન પીરસનાર રસોઈયા મહેશભાઈનું પણ તેમના પરિશ્રમ બદલ વિશેષ સન્માન કરાયું હતું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભદ્રાબેન ગણાત્રાએ કર્યું હતું. આ પ્રસંગે સંસ્થાના જયંતીલાલ કોઠારી, ભાવિનભાઈ ગણાત્રા, કેતનભાઇ ઠક્કર અને પ્રજ્ઞાબેન પોપટ સહિતના મહાનુભાવો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!