
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ તાલુકા પંચાયત ખાતે ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને કોંગ્રેસ દ્વારા આજે ફરી એકવાર ઘેરાવો કરવામાં આવ્યો હતો. અગાઉ આ મુદ્દે સમાચાર પ્રકાશિત થયા બાદ કોંગ્રેસના આગેવાનો દ્વારા તાલુકા પંચાયત પ્રમુખ પાસેથી 15 દિવસની અંદર સ્પષ્ટ જવાબ માંગવામાં આવ્યો હતો. પરંતુ નિર્ધારિત સમયગાળો પૂરો થયા છતાં કોઈ સંતોષકારક જવાબ ન મળતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા તાલુકા પંચાયત કચેરીએ નારા લગાવી “હલ્લાબોલ” કરવામાં આવ્યો હતો.આ ઘેરાવા કાર્યક્રમમાં નવસારી જિલ્લાના આગેવાન શૈલેષ પટેલ અને ખેરગામ તાલુકાના શશીન પટેલની આગેવાનીમાં, તેમજ કોંગ્રેસના પ્રમુખ પુરવ તલાવયા દ્વારા ઉગ્ર નારા લગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિરોધ કાર્યક્રમ દરમિયાન તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ) સાહેબને ફરી એકવાર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સમગ્ર મામલે પારદર્શક તથા ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. આ દરમિયાન ટીડીઓ સાહેબ દ્વારા ફરી સમય માંગવાની અને તારીખ આપવાની રજૂઆત કરવામાં આવતા નવસારી જિલ્લાના આગેવાન શૈલેષ પટેલે તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “વારંવાર સમય માંગો છો અને તારીખ પર તારીખ આપો છો, તો આખરે આ પ્રક્રિયા ક્યાં સુધી ચાલશે? પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે જવાબદારીપૂર્વક અને સમયસર નિર્ણય લેવો જરૂરી છે.” તાલુકા પંચાયત કચેરીના ઘેરાવાને પગલે વાતાવરણ ઉગ્ર ન બને તે માટે પોલીસ પ્રશાસન પણ સ્થળ પર દોડી આવ્યું હતું અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી હતી. યાદ રહે કે તા. 23/02/2026ના રોજ યોજાયેલી ખેરગામ તાલુકા પંચાયતની સામાન્ય સભા દરમિયાન બહેજ ગામમાં ઝાડોના લાકડાનું હરાજી વિના વેચાણ, રસ્તાના કામમાં બે વખત ચુકવણી, નાંધઈ ગામમાં સ્ટ્રીટલાઇટના કામમાં ગેરરીતિ તથા ગૌચર વિસ્તારમાં માટી ખનન જેવા ભ્રષ્ટાચારના ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા.કોંગ્રેસના આગેવાનો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો આ મુદ્દાઓની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારી નક્કી નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં જિલ્લા અને રાજ્ય સ્તરે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.




