GUJARATKUTCHLAKHPAT

લખપત તાલુકાની આંગણવાડીઓનો થશે કાયાકલ્પ: ૧૭ કેન્દ્રોનું સંપૂર્ણ નવીનીકરણ અને ૩૫માં મરામત કાર્ય પૂર્ણ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – લખપત કચ્છ.

ભુજ,તા-૦૯ માર્ચ : કચ્છ જિલ્લાના સરહદી અને અંતરિયાળ ગણાતા લખપત તાલુકામાં બાળકો અને માતાઓના સ્વાસ્થ્ય તેમજ શિક્ષણના સ્તરમાં સુધારો લાવવા માટે વહીવટી તંત્ર દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આઈસીડીએસ (ICDS) ઘટક-લખપત હેઠળ આવતા આંગણવાડી કેન્દ્રોના સુદ્રઢીકરણ અને નવીનીકરણની કામગીરી હાલ વેગવંતો આકાર લઈ રહી છે. માનનીય જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને પ્રોગ્રામ ઓફિસર ના સતત માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા વિકાસ અધિકારી (TDO) ની સીધી દેખરેખ નીચે આ આખું આયોજન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા મળતી વિગતો મુજબ, તાલુકાના કુલ ૧૭ જેટલા આંગણવાડી કેન્દ્રોમાં મેજર રીપેરીંગ અને સંપૂર્ણ નવીનીકરણની કામગીરી પૂર્ણ કરી તેને આધુનિક ઓપ આપવામાં આવ્યો છે.બાળકોમાં નાનપણથી જ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી ૧૨ કેન્દ્રોમાં શૌચાલય બ્લોકના રીપેરીંગ અને આધુનિકરણની કામગીરી પૂર્ણ કરાઈ છે. આ ઉપરાંત, અન્ય ૩૫ જેટલા કેન્દ્રોમાં માઇનર રીપેરીંગ (નાની-મોટી મરામત) ના કામો પૂરા કરી તેને સુવિધાયુક્ત બનાવવામાં આવ્યા છે.તંત્રના જણાવ્યા અનુસાર, આ અભિયાન માત્ર શરૂઆત છે. આગામી સમયમાં તાલુકાના બાકી રહેતા તમામ આંગણવાડી કેન્દ્રોને તબક્કાવાર રીતે આવરી લેવામાં આવશે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય લખપત જેવા અંતરિયાળ વિસ્તારના બાળકોને ભયમુક્ત, સુરક્ષિત અને આનંદમય શિક્ષણનું વાતાવરણ પૂરું પાડવાનો છે. જિલ્લા અને તાલુકા પંચાયતના આ સંયુક્ત પ્રયાસોને સ્થાનિક ગ્રામજનો અને વાલીઓ દ્વારા પણ બિરદાવવામાં આવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!