BANASKANTHAGUJARATPALANPUR

ડીસા તાલુકાના ભાચરવા ગામે પશુપાલકો માટે ‘સારવાર કરતા માવજત સારી’ વિષયક જાગૃતિ પરિસંવાદ યોજાયો

10 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

સરદાર કૃષિનગર વેટરનરી કોલેજ દ્વારા ડીસાના ભાચરવા ગામે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ અંગે પશુપાલકોને માર્ગદર્શન અપાયું દૂધાળા પશુઓમાં મસ્ટાઇટિસ રોગનું નિવારણ અને સ્વચ્છતા અંગે પશુપાલકોને નિદર્શન થકી માર્ગદર્શન અપાયું સરદાર કૃષિનગર સ્થિત પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી દ્વારા ડીસા તાલુકાના ભાચરવા ગામે પશુપાલકો માટે “સારવાર કરતા માવજત સારી” વિષય પર એક વિશેષ જાગૃતિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. વેટરનરી ફાર્માકોલોજી અને ટોક્સિકોલોજી વિભાગ તેમજ વેટરનરી માઇક્રોબાયોલોજી વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ગામના આશરે ૧૦૦ જેટલા પશુપાલકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ પરિસંવાદનો મુખ્ય ઉદ્દેશ્ય પશુપાલકોમાં એન્ટીબાયોટિક દવાઓના અતિરેક અને અયોગ્ય ઉપયોગથી ઉભી થતી ‘એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ’ની ગંભીર સમસ્યા અંગે જાગૃતિ લાવવાનો હતો. યુનિવર્સિટીના નિષ્ણાતોએ પશુપાલકોને સમજાવ્યું હતું કે, પશુઓમાં એન્ટીબાયોટિકનો બિનજરૂરી અને વધુ પડતો ઉપયોગ કરવાથી તેની અસરકારકતા ઘટે છે, જેના કારણે ભવિષ્યમાં ચેપજન્ય રોગોની સારવાર કરવી અત્યંત મુશ્કેલ બની શકે છે. આથી, પશુપાલકોને સ્વમર્જીથી દવાઓનો ઉપયોગ ન કરવા અને હંમેશા પશુચિકિત્સકની સલાહ મુજબ જ સારવાર કરાવવા અપીલ કરવામાં આવી હતી.પરિસંવાદ દરમિયાન પશુઓમાં રોગ નિવારણ માટે યોગ્ય વ્યવસ્થાપન પદ્ધતિઓ પર ભાર મૂકતા પશુઓના રહેઠાણમાં સ્વચ્છતા, સંતુલિત આહાર, સમયસર રસીકરણ અને પશુઓના આરોગ્ય પર નિયમિત દેખરેખ રાખવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને ડેરી પશુઓમાં આર્થિક નુકસાન પહોંચાડતા ‘મસ્ટાઇટિસ’ રોગના લક્ષણો, તેનું પ્રારંભિક નિદાન અને નિવારણ માટેના પગલાંઓ વિશે નિષ્ણાતોએ ઊંડાણપૂર્વક માહિતી આપી હતી.
કાર્યક્રમના અંતિમ ચરણમાં દૂધ દોહન દરમિયાન રાખવાની સાવચેતીઓ અંગે જીવંત પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં દોહન બાદ બાવલાની યોગ્ય સફાઈ અને ‘ટીટ ડીપિંગ’ જેવી આધુનિક પદ્ધતિઓ અપનાવીને ગળિયા રોગથી પશુઓને કેવી રીતે બચાવી શકાય તે શીખવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડૉ. જે. એચ. પટેલ અને ડૉ. સી. એમ. મોદીએ પશુપાલકોને વૈજ્ઞાનિક અને વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગ્રામજનોએ કામધેનુ યુનિવર્સિટીના આ પ્રશંસનીય પ્રયાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!