GUJARAT:ગુજરાતમાં સીલીકોસીસનો હાહાકાર: ૧૦ વર્ષમાં ૩૦૭ શ્રમિકોના મોત

GUJARAT:ગુજરાતમાં સીલીકોસીસનો હાહાકાર: ૧૦ વર્ષમાં ૩૦૭ શ્રમિકોના મોત
સુરેન્દ્રનગર, મોરબી અને ખંભાતના શ્રમજીવી પરિવારો પાયમાલ
સીલીકોસીસે લીધા ૩૦૭ શ્રમિકોના જીવ, ૪૨ પરિવારો સહાયની રાહમાં ગુજરાતની ઔદ્યોગિક પ્રગતિના ચળકાટ પાછળ એક કાળી વાસ્તવિકતા છુપાયેલી છે. પથ્થર કટિંગ, સિરામિક અને અકીક ઉદ્યોગમાં ઉડતી ધૂળ શ્રમિકોના ફેફસાંને પથ્થર બનાવી રહી છે. આ માત્ર બીમારી નથી, પણ એક ‘સાયલન્ટ કિલર’ છે જેણે છેલ્લા એક દાયકામાં સેંકડો પરિવારોના મોભી છીનવી લીધા છે.
આ ચોંકાવનારા આંકડાઓ આજે જે રીતે સામે આવ્યા છે, તેની પાછળ વ્યવસાયિક આરોગ્ય અને સલામતી ક્ષેત્રે કાર્યરત સંસ્થા પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રીસર્ચ સેન્ટર (PTRC) નો વર્ષોનો સંઘર્ષ રહેલો છે. સંસ્થાએ છેવાડાના શ્રમિકોને જાગૃત કર્યા, તેમના તબીબી રિપોર્ટ્સ તૈયાર કરાવ્યા અને જટિલ સરકારી પ્રક્રિયામાં મદદ કરી, જેના કારણે જ આજે સેંકડો પીડિત પરિવારો આર્થિક સહાય માટે અરજી કરી શક્યા છે.
આંકડાકીય હકીકત: જે તંત્રની આંખ ઉઘાડવા માટે પૂરતી છે
કુલ મૃત્યુઆંક (૧૦ વર્ષ): રાજ્યભરમાં કુલ ૩૦૭ શ્રમિકોએ સિલિકોસિસને કારણે જીવ ગુમાવ્યા. છેલ્લા બે વર્ષની ગંભીરતા: વર્ષ ૨૦૨૪-૨૫ માં ૪૯ અને ૨૦૨૫-૨૬ માં ૫૯ મૃત્યુ નોંધાયા છે, જે દર્શાવે છે કે સ્થિતિ સુધરવાને બદલે વધુ વણસી રહી છે.
ગુમાવ્યા બાદ પણ ૪૨ પરિવારોની સહાયની અરજીઓ પડતર (Pending) છે, જેમાં ૩૬ અરજીઓ તો ચાલુ વર્ષની જ છે.સુરેન્દ્રનગરની ખાણો, મોરબીના સિરામિક પ્લાન્ટ્સ અને ખંભાતના અકીકના કારખાનાઓ સિલિકોસિસના મુખ્ય કેન્દ્રો બન્યા છે. શ્રમિક જ્યારે કામ પર જાય છે ત્યારે તે અજાણ હોય છે કે હવામાં ઉડતી સિલિકાની ઝીણી રજ તેના મૃત્યુનો સામાન છે.વર્ષ ૨૦૧૯-૨૦ માં ૧૨ મૃત્યુ સામે માત્ર ૧ પરિવારને સહાય મળી શકી હતી. આ આંકડો તંત્રની સંવેદનહીનતા દર્શાવે છે. જ્યારે ઘરનો કમાનાર સભ્ય જતો રહે છે, ત્યારે આ આર્થિક સહાય તે પરિવાર માટે જીવનદાન સમાન હોય છે. પરંતુ લાલિયાવાડી અને વહીવટી વિલંબને કારણે પીડિત પરિવારો ન્યાય માટે ઠેર-ઠેર ભટકી રહ્યા છે.સિલિકોસિસ એ અટકાવી શકાય તેવો રોગ છે. પરંતુ તેના માટે ઉદ્યોગપતિઓની ઈચ્છાશક્તિ અને સરકારની કડક અમલવારી જરૂરી છે. PTRC જેવી સંસ્થાઓ રસ્તો બતાવી રહી છે, પણ હવે જવાબદારી તંત્રની છે. જો પડતર રહેલી ૪૨ અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવામાં નહીં આવે, તો આ શ્રમિકોના પરિવારો માટે ‘વિકાસ’ માત્ર એક પોકળ શબ્દ બનીને રહી જશે.









