ભરૂચની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચ ખાતે તા. ૧૦ અને ૧૧ માર્ચ ૨૦૨૬ દરમિયાન બે દિવસીય રાષ્ટ્રીય સ્તરનો ટેકનિકલ ફેસ્ટિવલ “TECHTONIC 2K26” નું આયોજન


સમીર પટેલ, ભરૂચ
ભરૂચની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચ ખાતે તા. ૧૦ અને ૧૧ માર્ચ ૨૦૨૬ દરમિયાન બે દિવસીય રાષ્ટ્રીય સ્તરનો ટેકનિકલ ફેસ્ટિવલ “TECHTONIC 2K26” નું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં વિવિધ કોલેજોના આશરે 1300 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ વિવિધ ટેકનિકલ સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક જોડાયા છે.
ફેસ્ટિવલનો ઉદ્ઘાટન સમારંભ તા. 10 માર્ચના રોજ સવારે 11 વાગ્યે યોજાયો હતો. કાર્યક્રમમાં આચાર્ય ડો. પ્રદીપ લોઢા,વિવિધ વિભાગોના વડાઓ, ટેકનિકલ ફેસ્ટિવલના કન્વીનર પ્રોફેસર કે.જી.ભુવા (HOD-EC), ફેસ્ટિવલ કોઓર્ડિનેટર વાય.બી.ચૌહાણ સહિત સંસ્થાના ફેકલ્ટી સભ્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
આ વર્ષની ફેસ્ટિવલની થીમ “Build Together with AI” રાખવામાં આવી છે. જેમાં વિવિધ શાખાના વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને ઉદ્યોગ નિષ્ણાતો સાથે મળીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઉકેલો વિકસાવવા, નવા વિચારો વહેંચવા અને ટીમવર્ક દ્વારા નવીન અનુભવ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને સ્માર્ટ ઇન્ડસ્ટ્રી,સ્માર્ટ સિટી, હેલ્થકેર,એજ્યુકેશન, સ્માર્ટ ગ્રીડ, એગ્રીકલ્ચર તથા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં AIના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
બે દિવસીય ફેસ્ટિવલ દરમિયાન AI આધારિત પ્રોજેક્ટ એક્ઝિબિશન, કોડિંગ સ્પર્ધા,રોબોટિક્સ અને ઓટોમેશન ઇવેન્ટ્સ, ટેકનિકલ ક્વિઝ, ડિઝાઇન સ્પર્ધા, પોસ્ટર પ્રેઝન્ટેશન તેમજ ઇનોવેશન ચેલેન્જ જેવી વિવિધ ટેકનિકલ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
ફેસ્ટિવલમાં કોલેજની બે તેજસ્વી વિદ્યાર્થીનીઓ કેજલ પટેલ અને કીર્તિ શુક્લાએ પ્રો.વિશાલ દોશી (ઇન્ટરનલ ગાઇડ) અને સ્નેહલ પટેલ (એક્સટર્નલ ગાઇડ)ના માર્ગદર્શન હેઠળ ‘હાઇબ્રિડ VTOL UAV’ નામનું અદ્યતન ડ્રોન તૈયાર કર્યું છે. સંરક્ષણ અને સર્વેલન્સ ક્ષેત્રે ઉપયોગી બની શકે તેવા આ પ્રોજેક્ટને ગુજરાત સરકારની SSIP 2.0 યોજના હેઠળ રૂ.2.50 લાખનું ફંડિંગ પણ પ્રાપ્ત થયું છે.
આ UAV હાઇબ્રિડ પાવર સિસ્ટમથી કાર્ય કરે છે, જેમાં બેટરી અને ફ્યુઅલ બંનેનો ઉપયોગ થાય છે. લગભગ ૨૫ કિલોગ્રામ વજન ધરાવતું આ ડ્રોન 2 કિમી ઊંચાઈ સુધી ઉડી શકે છે તેમજ 30 કિમી વિસ્તાર સુધી મોનિટરિંગ કરી શકે છે. VTOL ટેકનોલોજી હોવાથી તેને ઉડાન કે લેન્ડિંગ માટે રનવેની જરૂર પડતી નથી. આ ડ્રોનનો ઉપયોગ સરહદી સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા માટે સર્વેલન્સ, વન્યજીવન મોનિટરિંગ તથા ઊંચી પાવર લાઇનોના ઇન્સ્પેક્શન માટે થઈ શકે છે.
તે ઉપરાંત કેમિકલ ઇજનેરી વિભાગ દ્વારા તૈયાર કરાયેલ “Aqua Predict” પ્રોજેક્ટ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પોર્ટેબલ વોટર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ તરીકે વિકસિત આ પ્રોજેક્ટ દૂષિત પાણીની ઓળખ કરી IoT દ્વારા રીઅલ ટાઇમ માહિતી પ્રદાન કરે છે. પ્રોફેસર એ.એન. વાઘેલા અને ડો. નૈના તાહિલરમાનીના માર્ગદર્શન હેઠળ વિકસિત આ SSIP પ્રોજેક્ટને Indian Institute of Technology Patna ખાતે યોજાનાર “IIChE-Chemathon-2026” ના ગ્રાન્ડ ફિનાલે માટે પસંદગી મળી છે.
આ રીતે સરકારી ઇજનેરી કોલેજ, ભરૂચ દ્વારા આયોજિત “TECHTONIC 2K26” ફેસ્ટિવલ વિદ્યાર્થીઓને ભવિષ્યની ટેકનોલોજી,ખાસ કરીને કૃત્રિમ બુદ્ધિ સાથે જોડાઈને સમાજમુખી તથા પર્યાવરણલક્ષી સમસ્યાઓના ઉકેલ શોધવા માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે.




