DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાવકા ખાતે “સર્વાઈકલ કેન્સર ફ્રી ઈન્ડિયા” રસીકરણ અભિયાનનો પ્રારંભ

તા.૧૦.૦૩.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod :દાહોદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાવકા ખાતે “સર્વાઈકલ કેન્સર ફ્રી ઈન્ડિયા” રસીકરણ અભિયાનનો પ્રારંભ

આજરોજ તા.૧૦.૦૩.૨૦૨૬ ના જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા સર્વાઈકલ કેન્સરને મૂળમાંથી નાબૂદ કરવા હેતુસર “સર્વાઈકલ કેન્સર ફ્રી ઈન્ડિયા” અભિયાન અંતર્ગત HPV રસીકરણ કાર્યક્રમનો શુભારંભ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર તથા જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાવકા ખાતે કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે 39 કિશોરી દીકરીઓને પ્રતિકાત્મક રીતે HPV કેન્સર વિરોધી રસી આપી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા જિલ્લામાં આવેલી અન્ય કિશોરીઓને પણ રસીકરણ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ શહેરી આરોગ્ય કેન્દ્રો ખાતે HPV રસીકરણનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લામાં આ રસીકરણ અભિયાન આગામી ત્રણ માસ દરમિયાન તબક્કાવાર રીતે અમલમાં મુકવામાં આવશે. શાળા ન જતી કિશોરીઓ માટે તેમના નજીકના કોલ્ડ ચેઈન પોઈન્ટ ખાતે પણ રસીકરણની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.HPV વેક્સિન વિશે સમાજમાં કેટલીક ગેરસમજો છે, પરંતુ હકીકતમાં આ વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે અને સર્વાઇકલ કેન્સર જેવા ગંભીર રોગથી બચાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે. તેથી આરોગ્ય વિભાગ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી કે અફવાઓથી દૂર રહીને સાચી માહિતી અપનાવી રસીકરણનો લાભ લેવો જોઈએ.“સ્વસ્થ દીકરી – સુરક્ષિત ભવિષ્ય” અભિયાન અંતર્ગત 14 વર્ષ પૂર્ણ કરેલ કિશોરીઓને HPV રસી આપી ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપવા માટે વાલીઓ, શાળા સંચાલકો તેમજ સમાજના આગેવાનોને સહકાર આપવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત, જિલ્લા RCHO ડૉ. અશોક ડાભી, તાલુકા હેલ્થ ઓફિસર ભગીરથ બામણિયા , પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!